વડોદરા: વડોદરામાં (Vadodara) સુસેન સર્કલ (Susen Circle ) પાસે આવેલી ફોનિક્સ સ્કૂલમાં (Phoenix School) આગ (Fire) લાગી હોવાની ઘટના સામે આવી હતી. શાળામાં વહેલી સવારે આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. ચાલુ શાળાએ આગ લાગતા વિદ્યાર્થીઓ (Student) અને શિક્ષકોમાં (Teacher) નાસભાગ મચી ગઈ હતી. ફાયર વિભાગના જવાને શાળાના એક કલાસ રૂમમાં ફસાયેલા 450થી વધુ વિદ્યાર્થીઓનું રેસ્કયૂ કરી સલામત બહાર કાઢ્યા હતા. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી.
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં સુસેન સર્કલ પાસે આવેલી ફોનિક્સ સ્કૂલના ત્રીજા માળે એમ.સી.બી.માં આગ લાગી હોવાની ઘટના બની હતી. ફોનિક્સ સ્કૂલમાં વહેલી સવારે આગ લાગી હોવાની માહિતી સામે આવી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી બોળકોનું રેસ્ક્યુ ઓપરેશ હાથ ધર્યું હતું.
આ ઘટના શુક્રવાર સવારની હોવાનું સામે આવ્યું છે. જ્યાં ચાલુ શાળાએ આગ લાગતા વિદ્યાર્થી અને શિક્ષકોમાં નાસભાગ મચી ગઈ હતી. સ્કૂલ બેગ મૂકીને બાળકો શાળાની બહાર ભાગ્યા હતા. તેમજ શિક્ષકો સહિતનો સ્ટાફ પણ સ્કૂલની બહાર દોડી આવ્યો હતો.આ દરમિયાન ઘટનાની જાણ ફાયરબ્રિગેડને થતા ફાયરબ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આગ કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. માહિતી પ્રમાણે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ છે.
ફાય વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર સ્કૂલમાં ત્રીજા માળે એમ.સી.બી.માં શોર્ટ સર્કિટથી આગ લાગતા ત્રીજા માળે ધુમાડો થઇ ગયો હતો. ફાયરના 7 જેટલા જવાનો ફાયર સેફ્ટી લઈ ત્રીજા માળે પહોંચ્યા હતા અને ત્રીજા, ચોથા અને પાચમા માળે ફસાયેલા 450થી વધુ વિદ્યાર્થીઓને સ્કૂલની ઇમરજન્સી વિન્ડો તેમજ મુખ્ય દરવાજાથી સિડીનો ઉપયોગ કરી સલામત બહાર કાઢ્યા હતા. અધિકારીના જણાવ્યા અનુસાર આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નહોતી.
શાળામાં આગ લાગી હોવાની જાણ વાલીઓને થતા વાલીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વાલીઓએ શાળાએ આવી બાળકોને સહી સલામત જોઈને હાશકારો અનુભવ્યો હતો. ઉલ્લેખનીય છે સુરતની તક્ષશિલા જેવી મોટી દૂર્ઘટના ટળી હતી.