વડોદરા: વડોદરાના (Vadodara) સમચા વિસ્તારમાં રખડતાં શ્વાનનો (Dog) ત્રાસ ખૂબ વધી રહ્યો છે. અહીંના સમતા વિસ્તારમાં એક ઘરમાં રખડતાં કૂતરાંએ પાંચ મહિનાની બાળકી (Kid) પર ઘાતકી હુમલો (Attack) કર્યો હતો. ઘરમાં ઘોડિયામાં સૂતેલી પાંચ મહિનાની બાળકી પર હુમલો કરી તેનું માથું ફાડી નાખ્યું હતું અને તેનું લોહી ચાટવા લાગ્યું હતું. માતાની નજર પડી જતા માતાએ તેની બાળકીને ભારે જહેમતથી બચાવી લીધી હતી. હાલ બાળકીની સારવાર ગોત્રી હોસ્પિટલમાં ચાલી રહી છે.
વડોદરાના સમતા વિસ્તારમાં વૈકુંઠ ફ્લેટના એક ઘરમાં આ ઘટના બની હતી. ફ્લેટના એક ઘરમાં અચાનક રખડતું કૂતરું ઘરમાં આવી ગયું હતું. અને ઘરમાં ઘોડિયામાં સૂતેલી પાંચ મહિનાની બાળકી પર ઘાતકી હુમલો કર્યો હતો. આ ઘટના ત્યારે બની હતી જ્યારે માતા તેની 5 મહિનાની દીકરી જાન્વીને ઘોડિયામાં સૂવડાવી સાંજે 6 વાગ્યેની આસપાસ બાજુના ઘર પાસે પાણી ભરવા માટે ગઈ હતી ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો રહી જતા અચનાક કૂતરું ઘરમાં ધસી આવ્યું હતું અને ઘોડિયામાં સૂતેલી બાળકીનું માથું ફાડી નાખ્યું હતું અને તેનું લોહી ચાટી રહ્યું હતું. સમયસર માતા આવી પહોંચતા બાળકીનો જીવ બચ્યો હતો.
આ ઘટના અંગે બાળકીના પિતાએ શું કહ્યું
આ ઘટના અંગે બાળકીના પિતા આશિષભાઇએ જણાવ્યુ કે, ઘરમાં ઘોડિયામાં સૂતેલી મારી પાંચ મહિનાની દીકરી પર કૂતરાંએ હુમલો કર્યો હતો. જ્યારે મારી પત્ની બહાર પાણી ભરવા ગઇ હતી અને તે પાંચ મિનિટમાં પરત આવી ગઇ હતી.ત્યારે તે ઘરમાં આવી ચોંકી ગઈ હતી. કારણ કે કૂતરો મારી દીકરીનું લોહી ચાટી રહ્યું હતું. મારી પત્નીએ હિંમત કરી કૂતરાને ભગાડાવોનો પ્રયત્ન કર્યો હતો. પરંતું કુતૂરું ત્યાથી જઇ ન હતું રહ્યું. જેથી મારી પત્ની મારી દીકરીને લઇને ઘરમાંથી બહાર નિકળી ગઇ. છતાં પણ કૂતરું તો ઘરમાં જ હતું. હાલમાં બાળકીની સારવાર ગોત્રી હોસ્પિટલમાં ચાલી રહી છે. બાળકીના માથામાં 15 ટાંકા આવ્યા છે અને તેને દાખલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે વડોદરામાં રખડતા ઢોર અને શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે. આ અગાઉ પણ અનેક વખત રખડતા ઢોર અને રખડતા કૂતરાં કરડવાથી સ્થાનિક લોકોએ હોસ્પિટલ જવું પડ્યું છે. હાલમાં જ વડોદરા શહેરમાં તરસાલી રોડ પર રખડતા ઢોરના કારણે માતા-પુત્રી ટૂ-વ્હીલર પરથી પટકાયાં ગયા હતા. માતા અને પુત્રી બંને લોહીલુહાણ થઇ ગયાં હતા. હાલ તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.