Vadodara

વડોદરામાં કોરોનાની ઝડપ વધી હોસ્પિટલોમાં 359 દર્દીઓ આવ્યા

વડોદરા : વડોદરા શહેરમાં દિનપ્રતિનદીન કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. સોમવારે કોરોના પોઝિટિવના નવા 87 દર્દીઓ નોંધાયા હતા.શહેરની હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. પાલિકા દ્વારા જારી કરાયેલ કોવિડ બુલેટિનમાં અત્યાર સુધીમાં સત્તાવાર 623 વ્યક્તિઓના કોરોનાના કારણે મોત નિપજ્યા હતા. વડોદરા શહેરમાં વિતેલા 24 કલાકમાં 5,323 સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાંથી 87 પોઝિટિવ અને 5,236 નેગેટિવ આવ્યા હતા.શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ 359 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.જેમાં 343 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે 16 દર્દીની હાલત ગંભીર છે. જેમાં ઓક્સિજન ઉપર 12 અને 4 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.

આ ઉપરાંત કોરોનાં પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા કુલ 485 વ્યક્તિઓ હાલ હોમ ક્વોરન્ટાઈન હેઠળ છે.શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશન માંથી 23 વ્યક્તિને રજા આપવામાં આવી હતી.આ સાથે કુલ ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 71,975 ઉપર પહોંચી હતી. સોમવારે 23 દર્દીને રજા આપવામાં આવી હતી. વીતેલા 24 કલાકમાં કરાયેલ સેમ્પલીંગની કામગીરીમાં શહેરના ઉત્તર ઝોનમાં 13 દર્દીઓ,દક્ષિણ ઝોનમાં 13 દર્દીઓ ,પૂર્વ ઝોનમાંથી 8 દર્દીઓ અને પશ્ચિમ ઝોન માંથી 46 વ્યક્તિઓ કોરોનાં સંક્રમિત થયા છે. જ્યારે વડોદરા રૂરલમાંથી 7 દર્દી મળી કુલ 87 કોરોનાં પોઝિટિવ દર્દી નોંધાયા હતા. જ્યારે અત્યાર સુધીમાં કોરોનાં પોઝિટિવના કુલ કેસોનો આંક 72,957 ઉપર સ્થિર રહેવા પામ્યો છે.

વેક્સિનેશનના બે ડોઝ નહીં હોય તો મુલાકાતી-અરજદારોને સરકારી કચેરીમાં પ્રવેશ નહીં મળે

સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે કોઈપણ સરકારી કચેરીમાં મુલાકાતીઓ પ્રવેશ માટે વેકસીનેસનના 2 ડોઝ પ્રમાણપત્ર ફરજીયાત છે. તમામ સરકારી કચેરીઓને અમલ કરવા માટેની પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. કોરોના સંક્રમણ વધવાથી કોરોનાના કેસોમાં વધારો થતાં સરકારે ગંભીર થઈને રાજ્યભરમાં આવેલી સરકારી કચેરીઓમાં આવતા લોકોને કોરોના રસીના બે ડોઝ નહી લીધા હોય તો પ્રવેશ નહીં આપવામાં આવે એ અંગે પરિપત્ર જાહેર કર્યું છે .જેને લઇને શહેરના ખંડેરાવ માર્કેટ ખાતે આવેલી પાલિકાની વડી કચેરીમાં જ્યાં અરજદારોની અવર-જવર રહેતી હોય છે ત્યારે મેયર અને કમિશનરના ગેટ પાસે જે પણ અરજદારો કે મુલાકાતીઓ વડી કચેરીમાં જ્યારે પ્રવેશ કરે ત્યારે સિક્યુરિટી દ્વારા વેક્સિનેશનના બે ડોઝનું પ્રમાણપત્ર છે કે નહીં ત્યારબાદ જ તેઓને પ્રવેશ આપવામાં આવે છે. પાલિકાની મુખ્ય કચેરી ખાતે આદેશનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.

શહેરમાં વધુ 2 વિધાર્થીઓ અને 1 શિક્ષિકા કોરોના સંક્રમિત

વૈશ્વિક મહામારી કોરોનાની ત્રીજી લહેરમાં શાળાના વિદ્યાર્થીઓ પણ સંક્રમિત થઈ રહ્યા હોવાથી વાલીઓ સહિત શાળા સંચાલકો ચિંતાગ્રસ્ત થઈ રહ્યા છે. શાળા માં ભણવા આવતા વિધાર્થીઓના સ્વાસ્થ્યની ચિંતા કરતા ઓફ  લાઇન શિક્ષણ બંધ કરી રહ્યા છે. હવે કોરોનાનું સંક્રમણ કોઈ ને પણ લાગી રહ્યું છે. ઓફલાઈન સ્કૂલ શરૂ થવા સાથે દિનપ્રતિદિન શાળામાં અભ્યાસ કરતા બાળકો અને શિક્ષકો વધુને વધુ કોરોનાથી સંક્રમિત થવા લાગ્યા છે. વડોદરા શહેરમાં એક શિક્ષિકા તથા બે વિદ્યાર્થીઓ મળી શૈક્ષણિક ક્ષેત્રે સંકળાયેલ વધુ ત્રણ વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત થયા છે . માંજલપુર ખાતે આવેલી પ્રિન્સ અશોકરાજે સ્કૂલમાં અભ્યાસ કરતો ધોરણ 9 નો વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થયો છે . જેની કોવિડ -૧૯ અંતર્ગત સારવાર શરૂ કરવામાં આવી છે. શુક્રવારે રિપોર્ટ પોઝિટિવ આવતા શાલ સંચાલકોને જાણ કરવામાં આવી હતી.તેથી શાળાએ ધીણ 9ના વર્ગો બંધ કર્યા છે અને કોરોના ગાઈડ મુજબ  કાર્યવાહી કરી છે.તેવી જ રીતે આજવા રોડ ખાતે આવેલી રોયલ સ્કૂલમાં અભ્યાસ કરતો ધોરણ ૧૧ સાયન્સનો વિદ્યાર્થી પણ કોરોનાથી સંક્રમિત થયો છે. છેલ્લા કેટલાક સમયથી શાળાના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતાં રહેવાના બનાવો સતત વધી રહ્યા છે. તો બીજી તરફ પોલોગ્રાઉન્ડ ખાતે આવેલ અન્ય એક સ્કૂલની શિક્ષિકાને થોડા દિવસો પહેલા શરદી, ખાંસી, તાવ વગેરે જેવા લક્ષણો સાથે બીમારી સપડાયા હતા . જેમનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ શૈક્ષણિક ક્ષેત્રે સંકળાયેલા વધુ ત્રણ વ્યક્તિઓ કોરોનાની ઝપટમાં આવતા તેઓના સંપર્કમાં આવેલાઓની આરોગ્યલક્ષી ચકાસણી પાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

પાલિકાના ચોપડે ઓમિક્રોનના નવા 4 કેસો નોંધાયા

કેન્યાથી આણંદ આવેલ અને વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં સંબંધીને ત્યાં રોકાયેલ 16 વર્ષીય કિશોર અને 43 વર્ષીય યુવાનનો ગત 25 મી તારીખના રોજ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે આણંદ ખાતે તેઓએ 2 જાન્યુઆરીના રોજ રિપોર્ટ કરાવતા તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.જોકે તેઓનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જેથી તેઓ કેન્યા પરત ફર્યા છે. જ્યારે શહેરના વડસર વિસ્તારમાં હાઈરિસ્ક મનાતી ઘાના ખાતેથી 39 વર્ષીય પુરુષ 19 મી તારીખે પરત ફર્યો હતો. 25 મી તારીખે ટેસ્ટ કરાવતા લક્ષણો જણાઈ આવ્યા હતા.તેઓ અત્યાર સુધી હોમઆઇસોલેશનમાં હતા. તેમનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે તેઓના ત્રણ પ્રાથમિક અને ત્રણ ગૌણ નજીકના સંપર્કોને શોધી કાઢી તેઓના પણ ટેસ્ટ કરાયા હતા. જોકે તેઓ નેગેટિવ આવ્યા હતા. જ્યારે 19 મી તારીખના રોજ ફ્રાન્સથી વડોદરાના ફતેપુરા વિસ્તારમાં આવેલ 34 વર્ષીય પુરુષનો 27 મી તારીખના રોજ આરટીપીસીઆર ટેસ્ટ કરતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.તેઓ પણ આજદિન સુધી હોમ આઇસોલેશનમાં હતા. જેઓનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

કમળાના 2, ચિકનગુનિયાના 1, કોલેરાના 2 કેસ આવ્યા

વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક દિવસમાં શહેરમાં જુદાજુદા વિસ્તારોમાંથી કમળાના 2 ચિકનગુનિયાના 1,કોલેરાના 2 કેસ નોંધાયા હતા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ ટિમો શહેરમાં ડોર ટુ ડોર ફરીને સર્વે કરવામાં આવી રહ્યો છે. જેમાં ઝાડાના 11 કેસ સામે આવ્યા હતા.પાણીજન્ય રોગને કારણે 20 લોકોને તાવ હોવાનું સામે આવ્યું છે.જ્યારે મચ્છરજન્ય રોગોના 28 લોકોને તાવના લક્ષણો હોવાનું જાણવા મળતા 28 જેટલા લોકોના નમૂના લઈને તપાસ અર્થે મોકલી આપ્યા છે.વડોદરા શહેરમાં ચિકનગુનિયાના કેસોમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે.આરોગ્યની ટીમે શહેરમાંથી લીધેલા 8 સેમ્પલમાંથી 1 કેસ ચિકનગુનિયાનો વડસર માંથી મળી આવ્યો હતો.જ્યારે કોલેરાના લેવાયેલા 7 સેમ્પલમાંથી 2 કેસ ફતેપુરા અને બાપોદ માંથી પોઝિટિવ કોલેરાના કેસો મળી આવ્યા હતા.જ્યારે કમળાના 2 કેસ નવાપુરામાંથી નોંધાયા હતા.તો બીજી તરફ મચ્છરોના કારણે 28 લોકોને તાવના લક્ષણો હોવાનું સામે આવતા 28 લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા.જેને તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.

Most Popular

To Top