ઉમરેઠ : ઉમરેઠના ઓડ બજારમાં શનિવારની મોડી રાત્રે સગીરાની બે વિધર્મી યુવકોએ છેડતી કરી હતી. આ ઘટનાના પગલે કેટલાક યુવકે આ વિધર્મીને ઠપકો આપતાં મામલો તંગ બન્યો હતો. જેમાં કેટલાક વિધર્મીએ આ યુવકોને મારમારતાં મામલો તંગ બન્યો હતો. આ ઘટના બાદ વિધર્મીનું ટોળું ખુલ્લા હથિયારો સાથે નિકળી પડ્યું હતું અને ઉમરેઠને બાનમાં લીધું હતું. જેના કારણે ફફડાટની લાગણી ફેલાઇ હતી. આ ઘટનામાં પોલીસે પગલાં ભરવાના બદલે થાબડ ભાણાની નીતિ અપનાવતા ભારે રોષની લાગણી જન્મી હતી અને તાત્કાલિક વિરાટ હિન્દુ જાહેર સભાનું એલાન કરતાં પોલીસે ઉતાવળે સગીર વિધર્મીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની ઢીલી નીતિના કારણે બેફામ બનેલા વિધર્મી ટોળાએ રાત્રિના 10થી 12 ખુલ્લી તલવાર સહિતના હથિયારો સાથે ભયનું વાતાવરણ ફેલાવી દીધું હતું.
ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમાં બે સગીરા શનિવારની રાત્રિના સમયે ગરમીના કારણે બરફનો ગોળો ખાવા ગઈ હતી. આ સમયે ઉમરેઠ માર્કેટ યાર્ડથી આગળના સુમશાન વિસ્તારમાં બે વિધર્મી યુવકોએ આ સગીરાનો હાથ પકડી તેમની છેડતી કરી હતી અને ધમકી આપી હતી કે આ વાતની જાણ કોઈને કરવામાં આવશે તો જોઈ લઈશું. આ સમયે આવતા જતા લોકોનું ટોળું ભેગું થઇ જતા વિધર્મી યુવકો ત્યાંથી ભાગી ગયા હતા. બીજી તરફ સગીરાઓએ ઘેર આ વાતની જાણ કરતા સગીરાના ઘરના અને સબંધીઓ ઉમરેઠ પોલીસને ફરિયાદ નોંધાવા માટે ઉમરેઠ પોલીસ સ્ટેશન ગયા હતા.
પરંતુ ઉમરેઠ પોલીસે ફરિયાદના બદલે સાદા કાગળ ઉપર અરજી લઈ તેમને કાઢી મુક્યાં હતાં. આ ઘટનાના બીજા દિવસે સાંજના સમયે ઉમરેઠ વાંટા સ્ટ્રીટ વિસ્તારમાં આવેલા પરબડી પાસે રહેતા તથા તેના મિત્રો રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા મહાદેવ મંદિર પાસે સગીરાની છેડતી અંગેની વાતચીત કરતા પસાર થઈ રહ્યાં હતાં. તે સમયે છેડતી કરનારા યુવક તેમની વાતો સાંભળી જતા અચાનક તેના સાથીદારોને બોલાવીને હીર તથા તેના મિત્રો ઉપર તલવાર અને દંડા સહિતના હથિયારો સાથે હુમલો કર્યો હતો અને રાત્રિના લગભગ 10-30 થી 12 વાગ્યા સુધી રેલવે સ્ટેશન રોડ ઉપર ખુલ્લી તલવારો અને હથિયારો સાથે દોડા દોડ કરી ભયનું વાતાવરણ ફેલાવી દીધું હતું.
આ ટોળાએ આવતા જતા અનેક હિન્દુ ઉપર હુમલો કરી આતંક મચાવતા સમગ્ર ઉમરેઠમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. ઉમરેઠ પોલીસે આ સમગ્ર ઘટનામાં તમાસો જોવાની નીતિ અપનાવતા ભારે રોષની લાગણી જન્મી હતી. જોકે, મામલો રાજકીય નેતાઓ સુધી પહોંચતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એસ. રબારી પર દબાણ આવતા આખરે તેઓએ વિધર્મી ટોળા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ઉમરેઠ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની તાત્કાલિક બદલી કરવા માગણી
ઉમરેઠમાં સગીરાની છેડતી અંગે ફરિયાદ આપવા ગયેલા વાલીઓને જ આરોપી બનાવવાની ધમકી આપી હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. આ ઉપરાંત એક ચર્ચા મુજબ ઉમરેઠ પોલીસે છેડતીની બાબતને ગંભીરતાથી લીધી નહતી. જેના કારણે સમગ્ર ઉમરેઠ શહેરમાં ભારે રોષની લાગણી છે. આ અંગે ઉમરેઠ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એસ. રબારીની તાત્કાલિક બદલી કરવા માગણી ઉઠી છે.
વિધર્મી ટોળાના આતંક વચ્ચે સ્ટ્રીટ લાઇટ પણ બંધ થઇ ગઇ
ઉમરેઠના દરજી વાડથી સ્ટેશન સુધીના માર્ગ ઉપર વિધર્મીના ટોળાએ હથિયારો સાથે ડરનો માહોલ સર્જી દીધો હતો. આ સમયે એકાએક સમગ્ર વિસ્તારની લાઈટો અચાનક બંધ થઈ ગઈ હતી. તો આ લાઈટો બંધ થવા કે કરવા પાછળ કોનો હાથ હતો ? શું કોઈના ચહેરા ઓળખાય નહિ તે માટે જાણી જોઈને લાઈટો બંધ કરવામાં આવી હતી કે કેમ ? તે પણ એક તપાસ નો વિષય છે.