Comments

આજની મસ્તીમાં

રીક્ષા સ્ટેન્ડ પર એક એકદમ સરસ સાફ અને સારી રીતે શણગારેલી રીક્ષા આવીને ઊભી રહી. મનોજને નજીક જ જવું હતું, પણ મોડું થતું હતું એટલે તેણે રીક્ષા કરવાનું નક્કી કર્યું પણ કોઈ રીક્ષાવાળો હા પાડી રહ્યો ન હતો.આ રીક્ષવાળાએ હસીને તરત હા પાડી. રીક્ષામાં બેસીને મનોજે જોયું કે રીક્ષામાં બે નાના પંખા ,છાપું, પાણીની બોટલ અને ફર્સ્ટએડ બોક્ષ પણ હતો.નાની ગણપતિની મૂર્તિ પણ હતી.મનોજે રીક્ષાવાળાને થેન્ક યુ કહ્યું. નજીકના સ્થળે આવવાની હા પાડવા માટે અને રીક્ષાના બહુ વખાણ પણ કર્યા.રિક્ષાવાળાએ ધન્યવાદ કહેતાં પૂછ્યું, ‘સાહેબ, વાંધો ન હોય તો ગીત વગાડું.’મનોજે હા પાડી અને રીક્ષાવાળાએ સરસ ગીત મૂક્યું અને જોડે જોડે પોતે પણ ગીત ગાતા ગાતા પોતાની મસ્તીમાં રીક્ષા ચલાવતો હતો તે પણ જાળવીને.

રીક્ષાવાળાની રીક્ષા સરસ હતી અને રિક્ષાવાળાના મોઢા પર એક અજબ ખુશી હતી.મનોજ પણ ખુશીનો ચેપ લાગ્યો હોય તેમ આનંદ અનુભવવા લાગ્યો.તેને રિક્ષાવાળાણે પૂછ્યું, ‘દોસ્ત, માફ કરજે, પણ સામાન્ય રીતે રિક્ષાવાળા મેલા ઘેલા કપડામાં અને દુભાયેલા દુઃખી કે કંટાળેલા હોય છે.પણ તું મને અલગ લાગ્યો. તારી રીક્ષા પણ સરસ છે અને તારો હસતો ચહેરો અને મસ્તીવાળો મૂડ તો કોઈને પણ ખુશ કરી શકે છે.તારી ખુશીનું રહસ્ય શું છે?’ રિક્ષાવાળાએ સરસ જવાબ આપ્યો, ‘સાહેબ, દુનિયામાં દુઃખી કોણ નથી…મને પણ દુઃખ નથી એવું નથી, પણ હું દુઃખને દુઃખ ગણતો જ નથી.છ વર્ષનો હતો પિતાજી મૃત્યુ પામ્યા..મા એ લોકોનાં વાસણ કપડાં કરીને મને મોટો કર્યો.

હું બહુ ભણી ન શક્યો, પણ ઈમાનદારીથી રીક્ષા ચલાવું છું.ઘરે મા, પત્ની અને બે બાળકો છે. તેમને અને મારી આ રિક્ષાને સાચવું છું અને ખુશ રહું છું.અને રોજ સવારે ભગવાનનો આભાર માનું છું.પિતાના ફોટાને અને મા ને પગે લાગીને કામે નીકળું છું. દરેક પ્રવાસીને હસીને આવકારું છું. ક્યાંય પણ જવાની ના પાડતો નથી અને ખુશ રહીને મોડી સાંજ સુધી કામ કરું છું.જીવનમાં જે થવાનું હોય તે થાય જ છે અને થઈને જ રહે છે. તમે તેને બદલી શકતા નથી, તડકો આવે કે છાંયડો તેનો સ્વીકાર કરીને જ આગળ વધવું પડે છે.એટલે હું આજની મસ્તીમાં જીવું છું. સુખ આવે કે દુઃખ સ્વીકારી લઉં છું અને પોતાનું કામ કરતો રહું છું.અત્યારની વાત કરો. આ પળે હું એકદમ ખુશ છું.’મનોજ રિક્ષાવાળા પાસેથી એક સાચી સમજ મેળવી પોતાના સ્થળ પર ઊતર્યો.

Most Popular

To Top