Gujarat

બુટલેગરો બેફામ : ખુલ્લેઆમ રોડ પર દારૂનું વેચાણ શરૂ કર્યું

નડિયાદ: કઠલાલ અને મહેમદાવાદમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો હતો. જોકે, હવે બુટલેગરો બેખોફ બની ગયા હોય તેમ પોલીસથી સંતાડીને નહીં પણ દ્વિચક્રી વાહન ઉપર ખુલ્લમખુલ્લા જ દારૂની હેરાફેરી કરવા લાગ્યા છે. ખેડાના રઢુ – નાયકા રોડ ઉપરથી પોલીસે બાતમીના આધારે બે ઇસમોને બાઇક અને એક્ટિવા ઉપર દારુનું વેચાણ કરતાં ઝડપી પાડ્યા હતા, જ્યારે બે ફરાર થઇ ગયા હતા.

ખેડા જિલ્લા પોલીસને બાતમી મળી હતી કે, રઢુ ગામમાં રહેતો કલ્પેશ બાબુભાઇ ઠાકોર અને અલ્પેશ રમેશભાઇ ભોઇ બહારથી દારૂ લઇ આવી બાઇક અને એક્ટિવા ઉપર રઢુથી નાયકા રોડ ઉપર આવેલી રાઇસ મીલ પાસે ઉભા રહીને દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. જોકે, પોલીસને જોઇને બે શખ્સો અંધારાનો લાભ લઇને ફરાર થઇ ગયા હતા, જ્યારે બે ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા.

ઝડપાયેલા શખ્સોએ પોતાની ઓળખ બળદેવ ઉર્ફે બદો સોમાભાઇ મકવાણા (રહે.વારસંગ) તથા સુરેશ સીંધાભાઇ ભરવાડ (રહે.ખેડા) તરીકે આપી હતી. પોલીસે એક્ટિવા અને બાઇક પર મુકેલા બોક્સમાંથી વિદેશી દારૂ કબજે લીધો હતો. રૂ. ૧૯,૨૦૦ ની કિંમતનો દારૂ અને બે વાહન મળી કુલ રૂ. ૫૯,૨૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે લીધો હતો. આ મામલે ખેડા ટાઉન પોલીસ મથકે બળદેવ અને સુરેશ ઉપરાંત ફરાર થઇ ગયેલા કલ્પેશ અને અલ્પેશ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જાહેરમાં દારૂનું વેચાણ કરતાં હતા

ઝડપાયેલા બંને શખ્સો બાઇક અને એક્ટિવા લઇને રાઇસ મીલ પાસે રસ્તા પર ઉભા રહીને દારૂનું વેચાણ કરતાં હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી છે. ત્યારે જિલ્લામાં બુટલેગરોને જાણે કે પોલીસની બીક જ ન હોય તેમ બેફામ બની ગયા હોવાનું જોવા મળી રહ્યું છે.

મહેમદાવાદ પોલીસ મથકના અધિકારીના માથે પણ સસ્પેન્શનની લટકતી તલવાર

કઠલાલમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ ગણતરીના કલાકોમાં જ મહેમદાવાદ પોલીસ મથકના હદ વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી, લાખો રૂપિયાનો દારૂ કબજે કર્યો હતો. દિવાળી ટાણે મહેમદાવાદ પોલીસ મથકના અધિકારી ઉપર પણ સસ્પેન્શનની તલવાર લટકી રહી હોવાની ચર્ચા પોલીસ બેડામાં ચાલી રહી છે.

Most Popular

To Top