માણસનું મન જ બંધન અને મોક્ષનું કારણ છે. બહારનાં તીર્થો કરવાથી શરીરના મળ ધોવાય છે. પરંતુ મનનાં મળ જેમનાં તેમ રહે છે. આથી પવિત્ર અને શુદ્ધ થવા માટે અંદરના મળ કે કચરાને દૂર કરવાની જરૂર છે. જ્ઞાનસંકલિની તંત્ર કહે છે કે લોકો આ તીર્થ અને તે તીર્થ કરીને બહાર ભટકયા કરે છે, જયારે ખરા અર્થમાં તો અંતર આત્મામાં રહેલા છે. પ્રાણતોષિણી તંત્રમાં ખૂબ સુંદર શ્લોક છે કે –
ઇડાસુષુમ્ને શિવતીર્થકેડસ્મિન
જ્ઞાનામ્બુપૂર્ણે વહત: શરીરે
બ્રહ્મામ્બુભિ: સ્નાતિ તયો: સદાય:
કિંતસ્ય ગાણૈયરષિ પુષ્કરૈયા
(પૃ. ૫૪૧)
ઇડા અને સુષુમ્ણા શિવતીર્થ છે. આ તીર્થમાં જ્ઞાનરૂપી પાણી રહેલું છે. જ્ઞાનબ્રહ્મ છે. આથી જ કહેવાયું છે કે ‘સત્યં જ્ઞાનમનન્તં બ્રહ્મ’. જે બ્રહ્મજળથી સ્નાન કરે છે, તેને પછી બીજા સ્નાનની જરૂર પડતી નથી. શરીરમાં ઇડા નાડી ભાગીરથી છે. પિંગલા યુમના નદી છે. તેની વચ્ચે રહેલી સુષુમ્ણા સરસ્વતી છે. આ ત્રિવેણી સંગમ કપાલમાં આજ્ઞાચક્ર પાસે રચાય છે. ત્યાં સ્નાન કરનારો માણસ સર્વ પાપોથી મુકત થાય છે.
મૂલાધારતીર્થમાં સ્નાન:
ઇડા મલસ્થાન-નિવાસીની (મૂલાધારમાં રહેનારી) છે. પિંગલા સૂર્યાત્મિકા પ્રવાહમય છે. સુષુમ્ણા મલદેશ – ગામિની અર્થાત્ મૂલાધાર તરફ ગમન કરનારી છે. સરસ્વતી સ્નાન માટે ડૂબકી મારવા માટે પ્રયત્ન કરનારનું રક્ષણ કરે છે. મનથી સ્નાન કરનારો મન્ત્રવિત્ પુરુષ મૂલાધારના વિમલ તીર્થ-જળમાં સ્નાન કરીને મુકિત પામે છે.
ઇડા ભાગીરથી – ગંગા છે. સત્ત્વ ગુણના પ્રાદુર્ભાવથી વિશુદ્ધ ગંગા સર્વ પાપોનો ક્ષય કરે છે અને પુણ્ય આપે છે.
સ્વાધિષ્ઠાન ચક્ર તીર્થ:-
સ્વાધિષ્ઠાનનાં સુંદર કમળમાં સૃષ્ટિનું તીર્થ આવેલું છે. તેમાં યોગી જેમ ગંગા જળમાં જેમ તેમ મન સ્થિર કરીને સ્નાન કરે છે.
મણિપુરચક્ર-તીર્થ:-
મણિપુરમાં દેવતીર્થ છે. ત્યાં કુંડોવાળું સરોવર છે ત્યાં કામના તીર્થ આવેલું છે જેને મુકિત જોઇતી હોય તે ત્યાં સ્નાન કરે છે.
અનાહતચક્ર-તીર્થ:-
અનાહત સર્વતીર્થ છે. તે સૂર્ય મંડળની વચ્ચે આવેલું છે. ત્યાં સર્વતીર્થો રહેલાં છે એમ માનીને જે સ્નાન કરે છે તે મુકિત પામે છે.
વિશુદ્ધચક્રતીર્થ:-
વિશુદ્ધચક્રમાં મહાપદ્મ રહેલું છે. ત્યાં આઠ તીર્થોનો સમુદાય છે. ત્યાં કૌશલમુકિતનું સ્થાન છે એમ માનીને મુકિત માટે વીરપુરુષ સ્નાન કરે છે.
આજ્ઞાચક્ર:-
નિર્વાણની સિદ્ધિ માટે માણસ, બિંદુતીર્થ કાલીકુંડની કલાધારણ કરનાર આ તીર્થમાં સ્નાન કરે છે. આ સ્નાન યોગીઓ, સત્ત્વગુણવાળા વીરો, સિદ્ધિવાળા દેવો કરે છે. શરીરનાં ચક્રો રૂપી તીર્થમાં સ્નાન કરનાર બ્રહ્મ હત્યા જેવાં પાપોથી મુકત થઇને અણિમા વગેરે સિદ્ધિઓને પામે છે. માનસ સ્નાન કરનારો યોગી નિષ્પાપ થઇને પવિત્ર બને છે.