Sports

આજથી ત્રીજી ટેસ્ટ, ટીમ ઇન્ડિયાની નજર અજેય સરસાઇ પર

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી લાંબા સમયથી ચાલી આવતા પોતાના ખરાબ ફોર્મમાંથી બહાર આવીને ઇંગ્લેન્ડ સામે બુધવારથી અહીં શરૂ થઇ રહેલી ત્રીજી ટેસ્ટમાં મોટો સ્કોર બનાવવાની સાથે ભારતને પાંચ મેચની સીરિઝમાં અજેય સરસાઇ અપાવવાનો પ્રયાસ કરશે. કોહલીએ પોતાની છેલ્લી ઇન્ટરનેશનલ સદી નવેમ્બર 2019માં ફટકારી હતી. હાલની સીરિઝમાં તે બે વાર 40 રનના સ્કોરને વટાવી ચુક્યો છે પણ તેને મોટા સ્કોરમાં ફેરવવામાં તે નિષ્ફળ પુરવાર થયો છે.

કોહલીએ પહેલી બંને ટેસ્ટમાં ઓફ સ્ટમ્પની બહાર જતાં બોલે પોતાની વિકેટ ગુમાવી છે અને એ સ્થિતિમાં હેડિંગ્લેમાં તે આ પ્રકારના બોલ સામે બહેતર તકનીક સાથે બેટિંગ કરશે એવી આશા રાખવામાં આવી રહી છે. ભારતીય ટીમ માટે ચેતેશ્વર પુજારા અને અજિંકેય રહાણેનું ફોર્મ પણ ચિંતાનો વિષય છે. આ બંનેએ જો કે લોર્ડસ ટેસ્ટમાં ચોથા દિવસે લગભગ 50 ઓવર સુધી ક્રિઝ પર ટકીને ફોર્મમાં વાપસીના સંકેત આપ્યા છે. ઓપનર રોહિત શર્મા અને કેએલ રાહુલનું પ્રદર્શન ભારત માટે હકારાત્મક રહ્યું છે. આ બંનેએ પડકારજનક સ્થિતિમાં સંયમ અને ટેકનીકનો ઉત્કૃષ્ટ નમુનો પુરો પાડીને ભારતને સારી શરૂઆત અપાવી છે.

ઇજાગ્રસ્ત મયંક અગ્રવાલના સ્થાને સ્થાને ટીમમાં સામેલ થયેલો રાહુલ દરેક ઇનિંગમાં વધુ આત્મવિશ્વાસ સભર જણાય રહ્યો છે. તે એ બાબતે ચોક્કસ છે કે કયો બોલ રમવાનો છે અને કયો છોડવાનો છે. ઋષભ પંત પણ પોતાની નૈસર્ગિક શૈલીમાં બેટિંગ કરી રહ્યો છે અને રવિન્દ્ર જાડેજા સાતમા ક્રમે સારી ભૂમિકા ભજવી રહ્યો છે. હેડિંગ્લેમાં સ્થિતિ ઝડપી બોલરોને અનુકુળ રહેવાની સંભાવનાના કારણે ભારતીય ટીમમાં ફેરફારની સંભાવના જણાતી નથી.

મહંમદ સિરાજના કારણે ભારતીય ઝડપી બોલિંગ આક્રમણ વધુ મજબૂત બન્યું
ભારતીય ટીમના ઝડપી બોલિંગ આક્રમણમાં યુવા મહંમદ સિરાજના આગમનની સાથે પેસ બોલિંગ એટેક વધુ મજબૂત બન્યું છે. મહંમદ સિરાજે લોર્ડસ ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં પાંચમા દિવસે પ્રભાવક બોલિંગ કરી હતી અને તેણે બંને ટેસ્ટમાં પોતાની સચોટ બોલિંગ વડે અણીના સમયે વિકેટ ખેરવીને બધાને સતત પ્રભાવિત કર્યા છે.

ભારત છેલ્લે 2002માં હેડિંગ્લેમાં રમેલી ટેસ્ટ 46 રને જીત્યું હતું
ભારતીય ટીમ લીડ્સના હેડિંગ્લે મેદાન પર 2002માં છેલ્લે ટેસ્ટ રમ્યું હતું અને તેમાં ભારતીય ટીમે 46 રને જીત મેળવી હતી. હાલની ટીમમાંથી જો કે કોઇપણ ખેલાડીને આ મેદાન પર રમવાનો અનુભવ નથી, ત્યારે એ જોવું રસપ્રદ બની રહેશે કે તેઓ હેડિંગ્લેની પરિસ્થિતિમાં પોતાની જાતને કેટલી ઝડપથી ઢાળીને સામંજસ્ય બેસાડે છે.

Most Popular

To Top