વડોદરા, તા. 28
લોકસભાની ચૂંટણી માટેની આચાર સંહિતા લાગુ થાય તે પહેલા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકના એજન્ડા ઉપર ઢગલેબંધ કામો મંજૂરી માટે મૂકી દેવામાં આવ્યા છે. શનિવારે મળનારી બેઠકમાં રૂ. 62 કરોડના 51 કામો મુકવામાં આવ્યા છે. જેમાં ડ્રેનેજ, વરસાદી ગટર વિભાગ દ્વારા સાત કામો રજૂ કરવામાં આવ્યા છે.
સ્થાયી સમિતિની બેઠકમાં 51 કામો એજન્ડા ઉપર મુકવામાં આવ્યા છે. જેમાં વધુ ભાવના ટેન્ડરો પણ મૂકી દેવામાં આવ્યા છે. જેથી કોર્પોરેશનને માથે વધારાનું કરોડોનું ભરણ આવશે. એજન્ડા ઉપર મુકાયેલા કામો જોતા પાલિકા દ્વારા ફરી એકવાર દલા તલવાડી જેવી નીતિ અપનાવવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે. અમુક કિસ્સામાં ઓછા ભાવના ટેન્ડરો આવ્યા છે તો મોટાભાગના વધુ ભાવના ટેન્ડરો રજૂ થતાં વિવાદ સર્જાયો છે. ડ્રેનેજ, વરસાદી ગટર વિભાગ દ્વારા સાત કામો રજૂ કરવામાં આવ્યા છે જેમાં સેવાસી કેનાલથી શેરખી એસટીપી સુધી ડ્રેનેજ લાઈન નાખવાના કામ પાછળ રૂપિયા 29 કરોડનો ખર્ચ થશે. અટલાદરા ખાતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ફેસીલીટીસ વિસ્તારમાં આરસીસી મિક્સ રોડ અને વરસાદી ગટર બનાવવા પાછળ 2.37 કરોડ, ભાયલી ગામ ખાતે નવીન રી પમ્પિંગ સ્ટેશન 10 વર્ષના ઓપરેશન અને મેન્ટેનન્સના કામ પાછળ રૂપિયા 5.50 કરોડનો ખર્ચ થશે. પાણીગેટ શાકમાર્કેટથી ઝાલા કમ્પાઉન્ડ સુધી ટ્રેન્ચલેસ પદ્ધતિથી ડ્રેનેજ લાઈન નાખવાના કામ પાછળ રૂપિયા 2.77 કરોડ, નવાયાર્ડને તરસાલી વિસ્તારમાં ડ્રેનેજના કામ પાછળ 11 કરોડનો અંજાર અંદાજિત ખર્ચ મુકાયો છે. સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અટલાદરા, ગાજરાવાડી, કપૂરાઈ ખાતે ક્લોરીનેશન સિસ્ટમ બનાવવા પાછળ રૂપિયા 6.36 કરોડ જ્યારે 200 નંગ કોમ્પ્યુટર ખરીદવા પાછળ રૂપિયા 1.42 કરોડનો ખર્ચ થશે. પશ્ચિમ ઝોન કચેરીના ત્રણ કામ રજૂ થયા છે. જેમાં ભાયલીમાં વરસાદી ગટર, સેવાસીમાં ડ્રેનેજ લાઈન અને ગોરવા તળાવ વિસ્તારમાં પેવર બ્લોક નાખવાના કામ પાછળ રૂપિયા 1.17 કરોડનો ખર્ચ થશે. પાણી પુરવઠા પ્રોજેક્ટ વિભાગ તરફથી બે કામ રજૂ થયા છે. જેની પાછળ રૂપિયા 1.25 કરોડ તેમજ પાણી પુરવઠા શાખા તરફથી 13 કામ રજૂ થયા છે જેમાં વાર્ષિક ઇજારમાં 20 થી 50 લાખ સુધીની વધારાની રકમો ફાળવવા આવનાર છે. મિકેનિકલ વિભાગ દ્વારા વિકાસના કામો માટે જરૂરી વિવિધ પ્રકારના મશીનો અને વાહનો ખરીદી પાછળ રૂપિયા 4.84 કરોડનો ખર્ચ થનાર છે. જ્યારે પાણી પુરવઠા વિતરણ શાખા દ્વારા ચાર કામ રજૂ થયા છે. જેની પાછળ રૂ.95 લાખનો ખર્ચ થશે. સેન્ટ્રલ સ્ટોર દ્વારા સફાઈની કામગીરી માટે હાથ લારી વાર્ષિક ઇજારાથી ખરીદ કરવાના કામ માટે રૂપિયા બે કરોડ અને સોલિડ વેસ્ટ શાખા માટે દુર્ગંધનાશક દવા ખરીદીના કામ માટે રૂપિયા 1.14 કરોડની વધુ ખરીદીનું કામ રજૂ થયું છે. પાણી પુરવઠા ઈલેક્ટ્રિકલ મિકેનિકલ દ્વારા વારસિયા બુસ્ટર ખાતેની પંપિંગ મશીનરી તથા ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ઇક્વિપમેન્ટ્સ સજના ઓપરેશન અને મેન્ટેનન્સની કામગીરીનો પાંચ વર્ષના ઇજારા પાછળ રૂપિયા 1.61 કરોડ અને સંખેડા દસાળા ભવન પાસે બુસ્ટરના ઓપરેશન મેન્ટેનન્સનો પાંચ વર્ષનો ઈજારો આપવા પાછળ રૂપિયા 26 લાખનો ખર્ચ થશે. વિકાસના 51 કામો સ્થાયી સમિતિમાં રજૂ થયા છે. સ્થાયી સમિતિ પૂર્વે સંકલનની બેઠક મળશે તેમાં આ કામો અંગે ચર્ચા કરવામાં આવશે. અને ત્યાર બાદ તેને મંજુર કરવા કે નહિ તેના ઉપર સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.
સ્થાયી સમિતિની બેઠકમાં ~62કરોડના 51 કામો મંજૂરી માટે મુકાયા
By
Posted on