સાપુતારા: રાજય સરકારનું શિક્ષણ વિભાગ છેવાડેનાં ડાંગ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી હોવાની ગુલબાંગો ફેંકી રહ્યું છે. પરંતુ અહી ડાંગ જિલ્લામાં અમુક પ્રાથમિક શાળાઓની મુલાકાત લેતા વરવી વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળે છે.
- ડાંગ જિલ્લામાં શાળાઓ શરૂ થતાની સાથે જ વિવાદ
- પીંપરી ગામે શિક્ષણની ગુલબાંગો પોકળ સાબિત થઈ
- વનબાંધવોનાં ભવિષ્યનું પેઢી અદ્યતન સુવિધાઓ માટે વલખા મારવા મજબૂર બન્યુ છે
- રોષે ભરાયેલા વાલીઓએ તાળાબંધી કરી, તંત્રએ નવો ઓરડો બનાવવા ખાતરી આપી
ડાંગ જિલ્લાનાં બાળકોને અદ્યતન સુવિધાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા અનેક શાળાઓનાં ઓરડા મંજૂર કરાયા છે. જે શિક્ષણની અદ્યતન સુવિધાઓનાં વિકાસ માટે યોગ્ય છે. પરંતુ વિકાસની લ્હાયમાં હરખપદુડા બનેલા અધિકારીઓએ પરિસ્થિતિનો તાગ મેળવ્યા વગર જ અનેક જગ્યાએ ઓરડાઓનું ડેમોલિશન કરી નાંખતા ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. જેનું સચોટ ઉદાહરણ ડાંગની પિંપરી પ્રાથમિક શાળા છે.
ડાંગનાં આહવા તાલુકાનાં પિંપરી ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં માત્ર બે જ ઓરડાઓ હોય જે ઓરડાઓમાં ધો.1 થી 8નાં 225 જેટલા વિદ્યાર્થીઓને ખીંચોખીંચ ભરીને અભ્યાસ કરાવવામાં આવતો હતો. ત્યારે હાલમાં નવા સત્રની શરૂઆત થતા જ બાળકોનાં ભવિષ્યને ધ્યાનમાં રાખી જાગૃત વાલીઓએ શાળાની તાળાબંધી કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તેમજ તુરંત જ નવા ઓરડાઓ બનાવવામાં આવે તેવી માંગણી કરી હતી.
પિંપરી ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં કેટલાક ઓરડાઓની હાલત જર્જરિત હતી. ત્યારે ગત વર્ષે કેટલાક જર્જરિત ઓરડાઓને તોડી નાંખવામાં આવ્યા હતા. પરંતુ હજુ સુધી નવા ઓરડાઓ બનાવવામાં આવ્યા નથી. જેના કારણે હાલમાં ઓરડાઓની અપૂરતી સુવિધા જોવા મળી રહી છે. જે ઓરડાઓની અપૂરતી સુવિધાઓનાં પગલે માસૂમ બાળકોનું શિક્ષણ દાવ પર લાગ્યુ છે.
ધો. 1 થી 8નાં કુલ 225 જેટલા વિધાર્થીઓ માટે હાલમાં માત્ર બે જ ઓરડાઓ છે. પ્રાથમિક શાળામાં ઓરડાઓનો અભાવ હોવા છતાં પણ નવા ઓરડાઓ બનાવવા અંગેની કોઈ પણ નક્કર કામગીરી કરવામાં આવી નથી. જેને લઇને તા.03/06/2024 ના રોજ વાલીઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું.
જોકે ત્યારબાદ પણ ઓરડાઓની સુવિધા આપવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે આજરોજ 13 મીએ ગુજરાત ભરની શાળાઓ શરૂ થતા ડાંગનાં પિંપરી ગામના સ્થાનિકો તથા વાલીઓએ શાળા ખાતે પહોંચી જઈ હલ્લાબોલ કર્યો હતો અને શાળાની તાળાબંધી કરી હતી. વાલીઓ સવારે સાત વાગ્યાથી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા હતા અને તાળાબંધી કરી દીધી હતી.
ધારાસભ્ય વિજય પટેલે 18મી જૂનના રોજ નવા ઓરડાના ખાતમુર્હૂતની ખાતરી આપી
પિપંરી ગામે ગામલોકોએ હલ્લાબોલ કર્યો હોવા છતાં નિંદ્રાધીન વહીવટી તંત્રના અધિકારીઓ સવારે 10 વાગ્યાનાં અરસામાં શાળાએ પહોંચ્યા હતા. ત્યારે આ બાબતની જાણ ગુજરાત સરકારનાં નાયબ મુખ્ય દંડક અને ડાંગ ધારાસભ્ય વિજયભાઈ પટેલને થતા તેઓ તથા જિલ્લા શિક્ષણ અધિકારી જીગ્નેશભાઈ ત્રિવેદી સ્થળ પર પહોંચ્યા હતા અને પ્રશ્નનો નિરાકરણ કરવા પ્રયાસ કર્યો હતો. તેમજ વાલીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. જે બાદ 18મી તારીખે નવા ઓરડાઓનું ખાતમુહૂર્ત કરવાની ખાતરી આપવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલો થાળે પડ્યો હતો અને શાળા શરૂ કરવામાં આવી હતી.