મહાભારત કાળથી શરૂ થયેલી ગાંધીનગરના રૂપાલ ગામની પલ્લીની પંરપરા ગઈકાલે દશેરાની રાત્રે પણ જાળવીને રૂપાલમાં માત્ર ગ્રામજનોની ઉપસ્થિતિમાં માતાજીની પલ્લી નીકળી હતી. ગામના 27 જેટચલા ચોકમાં પલ્લી ફરી હતી. અહીં પલ્લી પર ઘી ચડાવવામા આવ્યું હતું. સધન પોલીસ સલામતી વચ્ચે આ પલ્લી રાત્રે જ રૂપાલ ગામ પાસે આવેલા વરદાયિની માતાજીના મંદિરે પહોચી હતી.
વરદાયીની માતાજીની પલ્લી માટે જુદા જુદા સમાજના લોકો પોતાનું યોગદાન આપે છે જેમ કે વણકર સમાજ ખીજડાના વૃક્ષને કાપીને લાવે છે. સુથાર સમાજ પલ્લીને ઘડવાનું કામ કરે છે. માળી સમાજ તેને ફૂલોથી શણગારનું કામ કરે છે. પ્રજાપતિ સમાજ પલ્લીના પાંચ કુંડાનું સ્થાપન કરે છે. પંચોલી સમાજ પલ્લી પહેલા વરદાયિની માતાજી માટે પ્રસાદ બનાવે છે.
શુકલ સમાજના બ્રાહ્રણો પલ્લીની પૂજા વિધી કરે છે. મુસ્લિમ સમાજના લોકો કુંડામાં કપાસ ભરે છે. ક્ષત્રિય સમાજના લોકો પલ્લીની રક્ષા કરે છે. પટેલ તથા વણકર સમાજના લોકો પલ્લી ઉપાડીને તેનું વહન કરે છે. વાલ્મિકી સમાજના લોકો પલ્લી પર ચઢાવેલું ઘી એકઠું કરીને સગા સંબંધીઓને પ્રસાદ રૂપે પહોંચાડે છે.પલ્લીમા વપરાતાં લોખંડના ખીલા પંચાલ સમાજ તરફથી આપવામાં આવે છે.
અહીં પ્રચલિત લોકવાયકા મુજબ પાંડવ કાળ જંગલની વચ્ચે ઘેરાયેલા રૂપાલ પંથકમાં ખીજડાના આ વૃક્ષની નીચે માતાજીની દેરી હતી. ગુપ્તવાસ પૂરો કરીને પાંડવો વિરાટનગર એટલે કે હાલના ધોળકામાંથી પરત ફરી શસ્ત્રો લેવા રૂપાલ આવ્યા ત્યારે શસ્ત્રોની પૂજા કરીને તેમણે પાંચ દિવાની જ્યોતવાળી પલ્લી બનાવી માતાજી પાસે મૂકી હતી. આ પછી હસ્તિનાપુરના યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણ સાથે પાંડવો ફરી અહીં આવ્યા હતાં. જે બાદ સોનાની પલ્લી બનાવીને યાત્રા યોજી હતી. આજે પણ રૂપાલના વરદાયિની માતાજીના મંદિરે ખીજડાના વૃક્ષ પાસે અર્જુન અને દ્રોપદીનું પણ નાનું પણ મંદિર છે.