સુરત(Surat): લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં (LalbhaiContractorStadium) ચાલુ મેચે (Match) મેદાનમાં (Ground) ઘસી જઇ ક્રિકેટર (Cricketer) સુરેશ રૈના (SureshRaina) સાથે સેલ્ફી (Selfie) લેનાર યુવક બરોબરનો ભેરવાયો છે. સેલિબ્રિટી લિજેન્ડ ક્રિકેટરોની સુરક્ષામાં ચૂકના આ મામલાને સુરતના તંત્રએ ખૂબ જ ગંભીરતાથી લીધો અને યુવક સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
સેલિબ્રિટી ક્રિકેટર સાથે સેલ્ફી લેવાની લ્હાયમાં મેદાનમાં ઘુસી ગયેલો આ યુવક બરોબરનો ભેરવાયો છે. યુવકને સપનેય ખ્યાલ નહીં હોય કે મામલો આટલો બધો વકરી જશે. પહેલાં તો યુવકને લીગનું આયોજન કરનાર મેનેજમેન્ટ સ્ટાફ દ્વારા ગ્રાઉન્ડ પર જ તમાચો મારી દેવાયો હતો. ત્યાર બાદ તેને ધક્કા મારીને સ્ટેડિયમની બહાર લઈ જવાયો હતો.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો, જેના લીધે આ મામલો વધુ વકર્યો હતો. પહેલાં તો યુવકને છોડી દેવાયો હતો પરંતુ બાદમાં પોલીસે તેની સામે અટકાયતી પગલાં ભર્યા હતા. આમ મનપસંદ ક્રિકેટર સાથે સેલ્ફી લેવા જવાના ચક્કરમાં યુવકને પોલીસ સ્ટેશન અને કોર્ટના ધક્કાં ખાવાની નોબત આવી છે.
ડુમ્મસ રોડ ખાતે લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં હાલ લીજન્ડ લીગ રમાઈ રહી છે. આ મેચ માટે ભારત ઉપરાંત વિદેશના ભૂતપૂર્વ સ્ટાર ક્રિકેટરો રમી રહ્યા છે. બે દિવસ અગાઉ એમટી (મણીપાલ ટાઇગર્સ સ્કોર્ડ) અને યુઆરએચ (અરબનરાઇઝર્સ હૈદરાબાદ સ્કોર્ડ) વચ્ચે ટી-20 મેચ રમાતી હતી. ત્યારે એક પ્રેક્ષક સિક્યુરીટી ગાર્ડની નજર ચુકવી ગ્રાઉન્ડમાં ઘુસી આવ્યો હતો.
આ યુવક ભૂતપૂર્વ સ્ટાર ક્રિકેટર સુરેશ રૈના સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે સિક્યુરીટી ગાર્ડનો કાફલો મેદાનમાં દોડી આવ્યો હતો અને તે યુવકને પકડીને બહાર કાઢ્યો હતો. આ અંગે ઉમરા પોલીસને જાણ કરતા ગ્રાઉન્ડમાં દોડી જનાર કરણ મહેન્દ્ર મૌર્યા (ઉ.વ. 27 રહે. ગણેશનગર, વડોદ) વિરૂધ્ધ અટકાયતી પગલા ભર્યા હતા.