Editorial

પ્રદૂષણ નિયંત્રણના નામે વૈશ્વિક સ્તરે માત્ર પાણી જ વલોવાઇ રહ્યું છે

હાલમાં સંયુક્ત આરબ અમીરાતના દુબઇમાં યુએનની હવામાન પરિષદ કોપ૨૮ યોજાઇ ગઇ. આ પરિષદમાં વિશ્વભરના દેશોના અને સરકારોના વડાઓ ભેગા થયા અને પર્યાવરણ રક્ષાના પગલાઓ માટે ચર્ચા કરી. આપણા  વડાપ્રધાન મોદી પણ આ પરિષદમાં ભાગ લેવા ગયા હતા જ્યાં તેમણે આ પરિષદમાં ગ્રીન ક્રેડિટ ઇનિશિયેટિવ નામની યોજના પણ રજૂ કરી. જો કે તેમની આ યોજનાને કેટલો પ્રતિસાદ મળે તે એક પ્રશ્ન છે. આવી પરિષદોમાં  અત્યાર સુધી તો મોટે ભાગે પાણી વલોવવા જેવી જ કામગીરી થાય છે.

વિશ્વના દેશો કાર્બન ઉત્સર્જન ઘટાડે  તે માટે સંધિઓ થઇ છે અને પરંતુ કાર્બન ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યો અંગે ભારે વિવાદ થાય છે. તેમાં પણ ભૂતપૂર્વ  અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા અદકપાંસળી નેતાઓ તો આવી સંધિઓ અને કરારોનો બિલકુલ જ ઉલાળિયો કરી નાખવામાં માનતા હોય છે. ધનવાન અને ગરીબ દેશો વચ્ચે કાર્બન ઉત્સર્જન ઘટાડવાની જવાબદારી અંગે  સંઘર્ષ ચાલતો રહે છે અને કાર્બન સહિતના પ્રદુષકોનું ઉત્સર્જન કાબૂમાં આવતું નથી અને દર વર્ષે વૈશ્વિક  તાપમાનમાં વધારો થતો જાય છે.

ધનવાન અને વિકાસશીલ કે ગરીબ દેશો વચ્ચે કાર્બન ઉત્સર્જનના મામલે વિવાદ છે. ગરીબ દેશો આગ્રહ રાખે છે દેશોએ પ્રદૂષણ ઘટાડવા માટે વધુ પગલા ભરવા જોઇએ કારણ કે તેમણે જ અત્યાર સુધી પ્રદૂષણ વધારે કર્યું છે  ત્યારે ધનવાન દેશો ગરીબ દેશોને ઠપકારતા કહે છે કે તેઓ પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું યોગ્ય પાલન પોતાના પ્રજાજનો પાસે કરાવતા નથી આથી પ્રદૂષણ વધતું જાય છે. ધનવાન અને ગરીબ દેશો વચ્ચે આ વિવાદ છે ત્યારે  હાલમાં એક ધ્યાન ખેંચનારા અહેવાલ એવા આવ્યા છે કે વિશ્વના મુઠ્ઠીભર અતિધનિક લોકોને કારણે ખૂબ મોટા પ્રમાણમાં પ્રદૂષણ થાય છે.

આ નવો અહેવાલ જણાવ છે આ વિશ્વના થોડાક અતિ ધનવાન અબજપતિઓ આખી  દુનિયાને ભડકે બાળી રહ્યા છે. આખી દુનિયાની વસ્તીના એક ટકા જેટલા આ અબજપતિઓ જેટલું પ્રદૂષણ કરે છે તેટલુ પ્રદૂષણ દુનિયાના સૌથી ગરીબ એવા ૬૬ ટકા લોકો ભેગા મળીને પણ કરતા નથી. ઓક્સફામ દ્વારા  કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દુનિયાના એક ટકા અબજપતિઓ વાતાવરણમાં જેટલો કાર્બન ડાયોકસાઇડ ઠાલવે છે તેટલો કાર્બન ડાયોકસાઇડ આ દુનિયાની વસ્તીના ૬૬ ટકા જેટલા સૌથી ગરીબ લોકો ભેગા  મળીને પણ ઠાલવી શકતા નથી. આ પ્રદૂષણ આ ધનવાનોના ધંધા ઉદ્યોગો, તેમના વૈભવશાળી મકાનો, તેમના સુપરયૉટ જહાજો અને તેમના ખાનગી વિમાનો વગેરેમાંથી થાય છે.

આ અભ્યાસમાં એમ પણ જાણવા મળ્યું છે કે  પ્રદૂષણ કરવામાં શ્વેત ધનવાન પુરુષોનો મોટો ફાળો છે જ્યારે મહિલાઓ, અશ્વેત અને અન્ય રંગની પ્રજાઓ, દેશી લોકો વગેરેને કારણે પ્રદૂષણ ખૂબ ઓછું થાય છે. વધુ પ્રદૂષણ કરનારા આ અતિ ધનિકોમાંથી કેટલાકના નામ પણ  આ અહેવાલમાં આપવામાં આવ્યા છે જેમાં અમેરિકન ઓરેકલના સ્થાપક લેરી એલિસન, મેક્સિકન ધનવાન ઉદ્યોગપતિ કાર્લોસ સ્લીમ તથા ટેસ્લા કંપનીના બોસ એલન મસ્કનો સમાવેશ થાય છે. આ લોકો જાત જાતની રીતે  કાર્બન જેવા વાયુઓનું ઉત્સર્જન કરે છે, ઉદાહરણ તરીકે એલન મસ્કની સ્પેસએક્સ કંપની વારંવાર મહાકાય રોકેટો છોડી રહી છે.

આ ધનવાનોના મહાકાય જહાજો અને ખાનગી વિમાનો પણ હવામાં કાર્બન ઓકતા રહે છે. જો ધનવાનો વ્યક્તિગત રીતે પ્રદૂષણમાં આટલો મોટો ફાળો આપતા હોય તો ધનિકોથી ભરેલા ધનવાન દેશો સ્વાભાવિક રીતે જ વધુ પ્રદૂષણ કરતા હોઇ શકે. આપણે જાણીએ છીએ કે ઔદ્યોગિક ક્રાન્તિ પછી દુનિયામાં પ્રદૂષણ ખૂબ વધવા માંડયું. ખાસ કરીને અશ્મિજન્ય ઇંધણો જેવા કે કોલસો, પેટ્રોલ, ડીઝલ વગેરેનો વપરાશ ઉદ્યોગોમાં અને ઓટો વાહનોમાં થવા માંડયો ત્યારથી ખાસ કરીને વાયુનું પ્રદૂષણ વધવા માંડ્યું, જેમ જેમ આ વપરાશ વધતો ગયો તેમ  તેમ આ પ્રદૂષણ વધતું ગયું અને આ વધેલા પ્રદૂષણને કારણે પૃથ્વીનું પર્યાવરણ અનેક રીતે બગડતું ગયું. વૈશ્વિક તપામાન વધતું જતાં ગ્લોબલ વૉર્મિંગ જેવી સમસ્યા સર્જાઇ અને ગ્લેશિયરો પીગળવા સહિતની બીજી પણ અનેક સમસ્યાઓ સર્જાઇ. પ્રદૂષણને કારણે વિશ્વમાં કુદરતી હોનારતોનું પ્રમાણ પણ ખૂબ વધ્યું છે. આવા માહોલમાં ફક્ત પાણી વલોવવાને બદલે નક્કર કામગીરી કરવા માટે તમામ દેશોએ ગંભીરતાપૂર્વકનો સહકાર કરવાની તાકીદની જરૂર છે.

Most Popular

To Top