સુરત : અંધશ્રદ્ધાના કારણે શાહુડીની સંખ્યામાં દર વર્ષે પાંચથી દસ ટકાનો ઘટાડો થઇ રહ્યો છે. જો આવું જ ચાલું રહ્યું તો આગામી દિવસોમાં શાહુડી લુપ્ત થઇ જવાની પૂરેપૂરી શક્યતા છે. છેલ્લા કેટલાક સમયથી અંતરિયાળ વિસ્તારોમાં શાહુડીનું માંસ ખાવાનું ચલણ વધી રહ્યું છે એટલું જ નહીં શાહુડીના કાંટા દુશ્મનના આંગણામાં નાંખવાથી તેનું અહિત થાય છે તેવી માન્યતાને કારણે પણ શાહુડીને મારી નાંખવામાં આવે છે. થોડા સમય પહેલા જ નાસિકના સુરગાણામાંથી શાહુડી સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી ત્યારે આ ચોંકાવનારી હકીત બહાર આવી હતી.
- શત્રુના કામમાં વિઘ્ન ઊભું કરવા તેના આંગણામાં શાહુડીના કાંટા નાંખવામાં આવે છે
- થોડા સમય અગાઉ નાસિકના સુરગાણામાંથી શાહુડી સાથે એક વ્યક્તિની ધરપકડ થઇ હતી
ભારતની ફ્રેસ્ટેડ જાતિની શાહુડી (હાઈસ્ટ્રીક ઇન્ડિકા) દક્ષિણ એશિયા અને મધ્યપૂર્વનું નેટીવ ધરાવે છે. તેનો લેટીન અર્થ ક્વીલપીડા થાય છે. તે કોઈ નમણીય કે સુંવાળુ પ્રાણી નથી. નથી તો તેનામાં કોઈ જાદુઈ શક્તિ. તે જંગલનું એક પોચકું પ્રાણી છે. ભારે શરીર, ટૂંકા પગ, લગભગ અંધ, તે દિવસ દરમ્યાન સૂતું રહે છે અને રાત્રે ખોરાકની શોધમાં નીકળે છે. આ પ્રાણી બેથી ત્રણ ફૂટ લાંબુ અને વજનમાં ૧૧થી ૧૮ કિલોનું હોય છે. તેની આવરદા ૨૦ વર્ષની હોય છે. તેના હાથ પહોળા હોય છે. હાથના પંજા મોટા હોય છે, જડબા મોટા હોય છે જેથીકોઈ રાફડો તોડી શકે. તેનામાં સૂંઘવાની વિશિષ્ટ શક્તિ રહેલી હોય છે. તેના પાછળના ભાગે અણીદાર પીંછા હોય છે. શાહુડીની માદા વસંતઋતુ દરમિયાન એક બચ્ચાને જન્મ આપે છે. શરૂઆતમાં બચ્ચાના વાળ કોમળ હોય છે. સમય જતાં મોટાભાગના વાળનું રૂપાંતર કાંટામાં થાય છે.
શાહુડીના શિકાર અંગે વાઇલ્ડ લાઇફ સાથે સંકળાયેલા સ્વયંસેવક રાજ ભાવસારે જણાવ્યું હતું કે, અંધશ્રદ્ધાના કારણે અનેક પશુ પંખીના ભોગ લેવાઇ રહ્યાં છે તેમાંથી શાહુડી પણ બાકાત નથી. શાહુડીના માંસથી શક્તિનો સંચાર થાય છે તેવી માન્યતાના કારણે તેનો શિકાર કરવામાં આવી રહ્યો છે.
વધુ મળતી માહિતી અનુસાર શાહુડીના કાંટા અંગે પણ અંધશ્રદ્ધા પ્રવર્તે છે. તેના કાંટા દુશ્મનના આંગણામાં નાંખી આવવાથી તેનું અહિત થાય છે તે તેના મનસૂબામાં સફળ થતો નથી જેના કારણે પણ શાહુડીનો શિકાર કરવામાં આવી રહ્યો છે. એક મહિના પહેલા જ નાસિકના સરગુણામાંથી શાહુડી સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી તેની પૂછપરછમાં આ ખુલાસો થયો હતો.