રાજકોટ: ગયા શનિવારે તા. 25 મે 2024ના રોજ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી. આ અગ્નિકાંડમાં 28 લોકોના મોત નિપજ્યા છે. આ ગોઝારી દુર્ઘટનાએ આખાય રાજ્યને હચમચાવી મુક્યું છે. રાજ્ય સરકારે આ ઘટનામાં તપાસ માટે સ્પેશ્યિલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. આ ટીમનો પહેલો પ્રાથમિક રિપોર્ટ બહાર આવ્યો છે. જેમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. કોઈ પણ ફાયર એનઓસી વિના ધમધમતાં આ ટીઆરપી ગેમ ઝોનમાં સ્નો પાર્ક બનાવવાની તૈયારી ચાલી રહી હતી.
રાજકોટના કાલાવડ રોડના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં 28 લોકોના મૃત્યુ બાદ રચાયેલી સ્પેશ્યિલ ઈન્વેસ્ટિગેશન (SIT)ની ટીમે પ્રાથમિક તપાસ રિપોર્ટ સરકારને સોંપ્યો હોવાનું સત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ રિપોર્ટ અનુસાર ઘટના સ્થળ એટલે કે ગેમ ઝોનમાં કોઈ ઈમરજન્સી એક્ઝિટ નહોતું. જેના લીધે આગ લાગ્યા બાદ લોકો બહાર નીકળી શક્યા નહોતા અને આગની 800 ડિગ્રી ગરમીમાં બળીને ભડથું થઈ ગયા હતા. આ રિપોર્ટમાં તંત્રની બેદરકારીનો પણ ઉલ્લેખ કરાયો હોવાનું જાણવા મળ્યું છે.
સીટની તપાસમાં એવી હકીકતો બહાર આવી છે કે ગેમ ઝોનની દુર્ઘટનામાં તમામ સરકારી વિભાગો જવાબદાર છે. માર્ગ મકાન વિભાગે ગેમ ઝોનમાં પહેલાં માળે પહોંચવા કાયમી સુરક્ષિત સીડી છે કે નહીં તેની તપાસ ક્યારેય કરી નહોતી. ફાયર એનઓસી ચકાસ્યા વિના પોલીસે મંજૂરી આપી દીધી હતી. તો રાજકોટ કોર્પોરેશનના અધિકારીઓએ પણ કોઈ પણ તપાસ કર્યા વિના ગુનાહિત બેદરકારી દાખવી હતી.
સ્નોપાર્ક બનાવવાની કામગીરી ચાલતી હતી
તંત્રની રહેમ નજર હેઠળ મંજૂરી વિના ચાલતા ટીઆરપી ગેમ ઝોનના એક્સ્પાન્શનની કામગીરી પણ ચાલી રહી હતી. કાળઝાળ ગરમીમાં લોકોને સ્નો પાર્કનો આનંદ આપવા માટે ગેમ ઝોનના સંચાલકો ગેમ ઝોનમાં નવો સ્નોપાર્ક બનાવી રહ્યાં હતાં. તેની કામગીરી ચાલી રહી હતી. તેના માટે જ જરૂરિયાત મુજબ વેલ્ડિંગ કામ થઈ રહ્યું હતું, જેના તણખાના લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું છે.
ગેમ ઝોનના રેસ્ટોરન્ટ તથા સ્નો પાર્ક વચ્ચે નાનકડી જગ્યામાં 4થી 5 ફૂટની લોખંડની સીડી મુકવામાં આવી હતી, તેના પરથી પહેલાં માળે જવાતું હતું. પહેલાં માળ પર બોલિંગ ગેમ તથા ટેમ્પોલાઈન પાર્ક હતા. આગની ઝપટમાં આ આખુંય સ્ટ્રક્ચર આવી ગયું હતું. તેથી પહેલાં માળે પહોંચવું કે ત્યાંથી નીચે આવવું અશક્ય બની ગયું હતું. ગેમ ઝોનમાં ફાયર હાઈડ્રેન્ટ સિસ્ટમ હતી પરંતુ તેમાં પાણીનું જોડાણ અપાયું નહોતું. તેથી આગ લાગી ત્યારે તેને ઉપયોગમાં લઈ શકાઈ નહોતી.