વડોદરા : જામ્બુવા લેન્ડફિલ સાઈટમાં શનિવારે બનેલી આગની ઘટનામાં બે દિવસ ઉપરાંતનો સમય વીતી ગયો છતાં કોઈ તપાસ કરવામાં આવી નથી ? જ્યારે ચારમાંથી બે પાણીના બોર વેલ ચાલુ હોવાનું તેમજ વર્ષ 2017-18 માં જે આગની ઘટના બની હતી.તે માનવસર્જિત હોવાનું એડિશનલ સીટી એન્જીનિયરે જણાવ્યું હતું. શનિવારે સવારે શહેર નજીક જામ્બુવા લેન્ડફિલ સાઈટમાં આગની ઘટના બની હતી. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડના લાશ્કરો તાબડતોડ સ્થળ પર દોડી ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે સમગ્ર ઘટના બાદ લેન્ડફિલ સાઈટ પર લગાવાયેલા ચાર પાણીના બોર વેલ કાર્યરત નહીં હોવા સાથે કચરામાં પથરા, રોડા નાંખી વજન કરાવી અધિકારીઓ સાથેની મિલીભગતથી કોન્ટ્રાક્ટરને ફાયદો કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.
જ્યારે સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે તેમ મેયર કેયુરભાઈ રોકડીયાએ પણ ગુજરાતમિત્ર સાથે કરેલી વાતચીત દરમિયાન જણાવ્યું હતું.હાલ આ આગની ઘટનામાં બે દિવસ ઉપરાંતનો સમય વીતી ગયો છે.ત્યારે આ પહેલા વર્ષ 2017-18 માં આગની ઘટના બની હતી.જે આગ સતત બે ત્રણ દિવસ સુધી ચાલી હતી.આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી પડી હતી.ત્યાર બાદ તંત્ર સફાળા જાગી ઉઠ્યું હતું અને લેન્ડફિલ સાઈટ પર ચાર પાણીના બોરવેલ લગાવાયા હતા.પરંતુ આ આગની ઘટનાએ તંત્રની પોલ ઉઘાડી પાડી દીધી હતી. આ બોરવેલ કાર્યરત નહીં હોવાના ભાજપના જ પૂર્વ કાઉન્સિલરે આક્ષેપ કરી આ મામલે ફરી મ્યુનિસિપલ કમિશ્નરને રજુઆત કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું. જોકે આ આગની ઘટનાની તપાસ ઠેરની ઠેર છે.પરંતુ અગાઉ લાગેલી આગ માનવસર્જિત હોવાનું એડિશનલ સીટી એન્જીનિયરે જણાવ્યું હતું.
જે પહેલા લાગી હતી તે કોઈએ આગ લગાડી હતી : સિટી એન્જિનિયર શૈલેષ નાયક
લેન્ડફિલ સાઈટ આગની ઘટના મામલે એડિશનલ સીટી એન્જીનિયર શૈલેષભાઈ નાયકે માહિતી આપતા જણાવ્યું હતું કે લેન્ડફિલ સાઈટ પર આગ નથી લાગી પરંતુ પાછળના ભાગે આગ લાગી હતી. અહીં ચારમાંથી બે બોર ચાલુ અને બે બંધ છે.અને કચરામાં છે ચાલે તો ચાલે નહીં તો બંધ થઈ જાય.તો પછી મોટર ઓછી લટકાવીને રાખીએ અંદર.કોઈપણ લેન્ડફિલ પર આગ લાગે ગરમીના કારણે વધારે હિટ પકડે તો આગ લાગી શકે છે.આ પહેલા પણ જે તે સમયે આગ લાગી હતી તે કોઈએ લગાવી હતી.અને આ બી આગ કંઈ એટલી મોટી નતી.આ તો છમકલું થયું.ફાયરબ્રિગેડ પહોંચ્યું એ પહેલાં તો બોરથી આગને અડધી કરી નાખી હતી.લેન્ડફિલમાં આગ લાગે તો એક નહીં દસ બોરવેલ હોઈ તો પણ ના ચાલે,ક્યાંથી ક્યાં ટોટી લઈ જાવ તેમ જણાવ્યું હતું.