નડિયાદ: રાજ્યવ્યાપી ઉર્જા ભરતી કૌંભાડના તાર ખેડા જિલ્લા સુધી જોડાતાં ચકચાર મચી છે. ગળતેશ્વર તાલુકાની શાળાના શિક્ષકનું નામ સૂત્રધાર તરીકે ખુલતાંની સાથે જ એકજ શાળામાં ફરજ બજાવતા પતિ-પત્ની બન્ને રજા પર ઉતરી ગયા છે. આપના આંદોલનકારી યુવરાજસિંહ દ્વારા ઉર્જા વિભાગની ભરતીમાં ચાલી રહેલા સ્કેમમાં સોમવારે મોટો ઘટસ્ફોટ કર્યો હતો. જેમાં તેમણે આ સ્કેમમાં પરિવારવાદ, ઓળખાણવાદ અને બહુ નજીકના સગા-સંબંધીઓને લગાડવાના એક સુનિયોજીત કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. જેમાં સૂત્રધાર તરીકે ગળતેશ્વર તાલુકાની ઇટાળા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અને થર્મલ આરાધ્ય બંગ્લોઝમાં રહેતા દિલીપ ડાહ્યાભાઇ પટેલનું નામ ખુલતાં જ ચકચાર મચી છે.
છેલ્લા ૨૦ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા દિલીપભાઇના પત્ની પણ આજ શાળામાં શિક્ષિકા છે અને નજીકની જ એક શાળામાં તેમના બહેન – બનેવી પણ નોકરી કરે છે. ભરતી કૌંભાડમાં નામ ખુલતાંની સાથે જ દિલીપ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. યુવરાજસિંહ દ્વારા પુરાવાઓ સાથે કરવામાં આવેલા ઘટસ્ફોટમાં ૪૦ થી ૪૫ સગા-સંબંધીઓને ઉર્જા વિભાગમાં નોકરી અપાવી હોવાનું ખુલ્યું છે. શાળાના આચાર્યા કોકિલાબેને જણાવ્યું હતું કે, દિલીપભાઇએ ફોન કરીને રજાની જાણ કરી હતી. સોમવારે તેઓ અને તેમના પત્ની કેઝ્યુઅલ લીવ પર છે. .જોકે, દિલીપ પટેલે પોતે નિર્દોષ હોવાની કેફીયત રજૂ કરી હતી. તેઓ દ્વારા રાજકીય કે પારિવારીક દુશ્મનીના આધારે ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું.
પ્રમાણપત્રમાં પણ લોલમલોલ ચલાવી હતી
અગાઉ દિલીપ પટેલે સી.સી.સી. ના પ્રમાણપત્રમાં પણ લોલમલોલ ચલાવી અને કૌંભાંડ આચર્યું હોવાની ચર્ચા નગરમાં છે. દિલીપ પટેલ દ્વારા સીસીસીનું બનાવટી સર્ટીફિકેટ રજૂ કરવામાં આવ્યું હોવાને લઇને આક્ષેપો થયા હતા. અગાઉ પણ આ રીતે દિલીપ પટેલનું જ નામ ઉછળ્યું હતું અને હવે ફરી એકવાર સગાવાદ ચલાવીને ભરતી સ્કેમમાં નામ ખુલતાં ચકચાર મચી છે.