Charchapatra

અંતે જેનો ડર હતો તે જ થયું!

ગણેશોત્સવ પછી સુરતમાં કોરોનાના કેસોમાં અચાનક વધારો થયો અને શહેરના જુદા જુદા વિસ્તારોના 3 એપાર્ટમેન્ટ મનપાએ સીલ કરી દીધા અને અનેક રહેવાસી ઘરોમાં કેદ થઇ ગયાં! સંક્રમિતોની હિસ્ટ્રી તપાસતાં આ બધા જ ગણેશોત્સવ કે અન્ય ધાર્મિક કાર્યક્રમોમાં સામેલ હતા તેમ જણાયું છે! અને આ બધા જ સંક્રમિતોમાં બાળકો, યુવાનો અને વયસ્કો સામેલ છે! આ પૈકીના ઘણાએ રસીના એક કે બે ડોઝ લઇ લીધા છે! હવે પ્રશ્ન એ છે કે ટૂંક સમયમાં નવરાત્રિ આવી રહી છે. તેમાં પણ જો આવી જ બેદરકારી દાખવી તો કોરોના ફરી તેનો અસ્સલ મિજાજ બતાવશે તેમાં બેમત નથી! સરકારે શેરી, મહોલ્લા કે એપાર્ટમેન્ટોમાં 400 ને ગરબે રમવાની છૂટ આપી છે, પણ સુરતના કોટ વિસ્તારમાં અનેક શેરી ખૂબ જ સાંકડી છે.

જયાં પાંચ વ્યકિત પણ ગરબે ના રમી શકે એવી જગાએ વર્ષોથી ગરબા જાહેર રસ્તા ઉપર જ રમાય છે. આવાં સ્થળો ઉપર મોટી સંખ્યામાં લોકો ઉમટે છે એટલે કોણ સંક્રમિત હશે એ કળવું અઘરું હશે. વળી જાહેર રસ્તા ઉપર ગરબા રમાતા હોઇ કોઇ ગરબા જોવા ઊભો રહે કે ગરબા ગાવામાં ભેગો થઇ જાય અને એ વ્યકિત સંક્રમિત હશે તો શું? એટલે આ વખતે નવરાત્રિ ખૂબ જ સાવધાનીપૂર્વક ઉજવવી પડશે. જો કે જોખમ લેવા કરતાં ઘરે જ બેઠા ગરબા રમવા અને પૂજા આરાધના કરવી વધુ હિતાવહ રહેશે.
સુરત     ભાર્ગવ પંડયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top