Comments

શિક્ષણના બજારમાં સૌને માત્ર બીલ( ડીગ્રી ) જોઈએ છે માલ(જ્ઞાન) કોઈને નથી જોઈતો

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્વાન કુલપતિ સ્વ.શ્રી કુલીનચંદ્ર યાજ્ઞિકે આજથી ઘણાં વર્ષ પહેલાં લખ્યું હતું કે શિક્ષણમાં સૌને માત્ર બીલ જોઈએ છે. માલ મળ્યો કે નહિ તેની કોઈ ફિકર કરતું નથી. આપણે રોજિંદા જીવનમાં ખરીદી કરવા જઈએ ત્યારે કરિયાણાવાળાને ત્યાં મોલમાં કે અન્ય દુકાનમાં ખરીદી કરતી વખતે બીલ ચૂકવતી વખતે બીલમાં લખેલી વસ્તુ અને કિંમત અને થેલામાં આવેલી વસ્તુઓ ચેક કરી લઈએ છીએ. ગણી લઈએ છીએ. જોઈ લઈએ છીએ કે રૂપિયા ચૂકવ્યા તે વસ્તુ આવી કે નહિ પણ આ ચોકસાઈ શિક્ષણના ક્ષેત્રમાં જોવા મળતી નથી. બધાને માત્ર માર્કશીટ જોઈએ છે. પાસ થયાનું પ્રમાણપત્ર જોઈએ છે. જ્ઞાન મળ્યું કે નહિ! થેલીમાં વસ્તુ આવી કે નહિ તે કોઈ જોતું જ નથી અને સેલ્ફ ફાઈનાન્સ શિક્ષણ સંસ્થાઓ આ માનસિકતાનો ભરપૂર લાભ ઉઠાવે છે.

ઔપચારિક શિક્ષણવ્યવસ્થાના ત્રણ તબક્કા છે. પ્રવેશ, શિક્ષણ અને પરીક્ષા જેમાં પ્રથમ અને છેલ્લું મહત્ત્વનું નથી. મહત્ત્વનું શિક્ષણ છે પણ સમાજ અને સરકાર વળી અને વિદ્યાર્થી બધા જ માત્ર પ્રવેશ અને પરીક્ષા પર જ ધ્યાન કેન્દ્રિત કરીને બેઠાં છે.વળી સંતાનના મા બાપ સંતાનને શું આવડ્યું, તે શું શીખ્યો એની પૂછપરછ નથી કરતાં, તે તો માત્ર એક જ વાત કરે છે કે મારા દીકરાને પાસ કરી દો.એનું વરસ ના બગડે એ જોજો.અરે ભાઈ, જે જ્ઞાન મળ્યું જ નથી, જે આવડત તેનામાં છે જ નહિ એનું પ્રમાણપત્ર લઈને શું ફાયદો?

ભારતમાં વર્ષો સુધી બજાર નિયંત્રિત રહ્યું. સમાજવાદી અર્થકારણમાં સરકારી નોકરીઓ મહત્ત્વની બની ગઈ. પગાર પણ સારા અને નોકરીમાં નિશ્ચિંતતા એટલે સૌને સરકારી નોકરીઓનું ઘેલું લાગ્યું.

હવે સરકારી નોકરીઓ માર્કશીટ જ જુવે,વળી શરૂઆતમાં ભારતમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું એટલે ૧૯૮૦ સુધી તો જે ભણ્યા એને ઘેર નોકરીવાળા બોલાવવા આવ્યા. સરકારમાં ઓળખાણ હોય અને નોકરીની ભલામણ કરવાની થાય તો સરકારી માનસ કહે કે આટલી પરીક્ષા પાસ કરાવી લાવો.ભારતમાં વર્ષો સુધી આવડત આધારે નોકરીઓ હતી જ નહીં. માર્કશીટ આધારે જ નોકરીઓ હતી એટલે સમાજમાં એક માનસિકતા બંધાઈ કે શું આવડે છે તે કોઈ જોતું નથી.

માર્કશીટ છે? એટલું જ જુવે છે. માટે કોઈ પણ ભોગે માર્કશીટ મેળવવાના રસ્તા સૌ શોધતાં થયાં અને પછી તો લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે. ફી ભરો અને માર્કશીટ લઇ જાવ- ની એક આખી વ્યવસ્થા ઊભી થઇ. પહેલાં માત્ર પ્રાથમિક શિક્ષણમાં ખાનગી સ્કૂલો હતી. તે ૧૯૯૧ પછી ઉચ્ચ શિક્ષણમાં પણ ખાનગી કોલેજો સ્થપાઈ અને ઘરે બેઠા શિક્ષણની એક નવી જ વ્યવસ્થા સમાંતર રીતે ચાલવા લાગી.અર્થશાસ્ત્રનો નિયમ છે કે જો તમે એક મૂલ્યના સિક્કા બે ધાતુમાં બહાર પાડો તો લોકો ઉચ્ચ ગુણવત્તાવાળા ધાતુના સિક્કાનો સંગ્રહ કરશે અને હલકી ગુણવત્તાવાળા ધાતુના સિક્કા વિનિમય અને વ્યવહારમાં ચલાવશે.

મતલબ કે હલકાં મૂલ્યો સનાતન મૂલ્યોને વ્યવહારમાંથી કાઢી મૂકશે. જો ઘરે બેઠાં ભણ્યા વગર માર્કશીટો મળતી થઇ જાય તો નિયમિત હાજરી પૂરતી સતત મૂલ્યાંકન કરતી શિસ્ત અને વિનય વિવેક શીખવાડતી સ્કૂલોમાં કોણ ભણવા જાય? કોણ એ કોલેજોમાં જાય, જ્યાં હાજરી ફરજીયાત હોય.સાહેબો, વિદ્યાર્થીઓને પુસ્તક ખરીદવાનો, સાથે રાખવાનો અને વાંચવાનો આગ્રહ કરતા હોય, માર્ક ચીપી ચીપીને આપતા હોય.સાહેબ આઘાતજનક છે પણ આ સાચું છે કે ગુજરાતમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને જ નિયમિત ભણાવે અને શિસ્તના નિયમો પાલવે તેવી સ્કૂલ, કોલેજને બદલે બધું ચલાવી લે તેવી સ્કૂલ કોલેજ વધારે ગમે છે.

આ લોકો સમજતાં જ નથી કે હવે ખાનગીકરણ પછી પરિસ્થિતિ જ બદલાઈ ગઈ છે. હવે ખાનગી નોકરીઓ વધી રહી છે જ્યાં ડીગ્રી કે માર્કશીટનું નહિ, પણ આવડતનું જ મહત્ત્વ છે.સરકારે પણ હવે શિક્ષણનું પ્રમાણ વધવા પછી સીધી ભરતી બંધ કરીને કેન્દ્રિત ઢોરને પરીક્ષાઓ લઇ ભરતી કરવાનું ચાલુ કર્યું છે. એક પછી એક તમામ ક્ષેત્રોમાં પરીક્ષા દ્વારા ભરતી થાય છે અને એના નવા જ પ્રશ્નો ઊભા થયા છે પણ આ આવ્યું ક્યાંથી? આવું કેમ કરવું પડ્યું? કારણ કે આપણે શિક્ષણમાં ધ્યાન જ ના આપ્યું. જ્ઞાન અને તાલીમનું મહત્ત્વ જ ના સમજ્યા અને લાખો બેકારો તૈયાર થયા કર્યા.જરા વિચારો, ગુજરાતમાં ક્યાં વળી એ સરકારને પૂછ્યું કે આ સ્કૂલોમાં ફી નિર્ધાર કરતાં પણ અગત્યનું છે. શિક્ષકોની ગુણવત્તા નિર્ધારણ ..સ્કૂલોમાં વર્ગ દીઠ ૬૦ અને

કોલેજોમાં વર્ગ દીઠ ૧૫૦ સંખ્યા કેમ? શું બધાં જ બાળકો આ સામુહિક શિક્ષણમાં સરખું જ્ઞાન મેળવી શકે? કોઈ દિવસ વળી સ્કૂલ કે કોલેજની પ્રયોગશાળા કે લાઈબ્રેરી જોવા ગયા? ક્યાં માબાપે સ્કૂલ નહિ પણ ભણાવનારાં શિક્ષકોની તપાસ કરીને એડમિશન નક્કી કર્યું? ક્યાં મા-બાપ પોતાના બાળકની માર્કશીટ જોવાને બદલે તેને મળેલી આવડત જોઇને રાજી થયાં? માલ કોઈને જોઈતો જ નથી સાહેબ,બીલ મળી જાય એટલે ઘણું!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top