ભરૂચ: દહેજમાં (Dahej) કુખ્યાત બુટલેગરે (Bootlegger) ખુલ્લા વિસ્તારમાં બાવળની ઝાડીઓમાં ચાલતી દેશી દારૂની (Alcohol) ભઠ્ઠી અને વિદેશી દારૂનો વેપલામાં એક સગીર સહિત બે ઇસમોને સ્ટેટ મોનિટરિંગ સેલે આબાદ રીતે ઝડપી પાડ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપાયેલા ઈસમો પાસેથી રૂ.૪.૩૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ખાસ વાત એ છે કે આ કામ કરવા માટે દાદાએ જ પોતાના પૌત્ર અને ભત્રીજાને 9 હજાર રુપિયા પગારે રાખ્યા હતા.
દહેજના વજાપુરા ફળિયામાં રહેતો ભીખા મનુ વસાવા દારૂનો વેપાર કરતો હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી. શુક્રવારે સ્ટેટ મોનિટરિંગ સેલે દહેજમાં દરોડો પાડતાં દહેજના અશ્વિન મેલા વસાવા અને મેહુલ અરવિંદ વસાવા ઝડપાઈ ગયા હતા. રેડ દરમિયાન ખુલ્લી જગ્યામાં બાવળની ઝાડીમાં દારૂની ભઠ્ઠી, પીપો, કારબા મળી આવ્યા હતા.
બુટલેગરના પૌત્ર અને ભત્રીજાએ પોલીસની સઘન પૂછપરછમાં બુટલેગર ભીખા વસાવા દ્વારા બંનેને મહિને રૂ.૯ હજારના પગારે દારૂની પોટલીઓ બાંધવા અને દારૂનું વેચાણ કરવા રાખ્યા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. ઘટના સ્થળે દેશી દારૂ વોશ મળી આવ્યો હતો. સળગાવેલા કચરા નીચેથી વિદેશી દારૂની ૨૦૫૧ બોટલ મળી આવી હતી. બુટલેગર ભીખા વસાવાના ઘરેથી રેડમાં દારૂ વેચાણમાં રૂ.૧,૪૧,૮૧૦ રોકડા મળી આવ્યા હતા. દેશી, વિદેશી દારૂ, વોશ, મોપેડ, રોકડા મોબાઈલ મળી કુલ રૂ.૪,૩૨,૨૪૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે કુખ્યાત બુટલેગર ભીખા મનુ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ બાબતે સ્ટેટ મોનિટરિંગ સેલે દહેજ પોલીસમાં ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
સાદડવેલ ગામેથી કારમાં મહિલા દારૂ સાથે પકડાઈ, બે શખ્સો ફરાર
ઘેજ: સિલ્વર કલરની ઓલ્ટો કાર નં-જીજે-૦૫-સીએચ-૧૭૩૧ દારૂ ભરી રૂમલા તરફથી રાનકુવા થઈ સુરત તરફ જતી હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આ કાર રોકવાનો ઈશારો કરતા કાર ચાલકે કાર થોડે દુર ઉભી રાખી ડ્રાઇવર તેમજ ક્લીનર કાર મૂકી ફરાર થઇ ગયા હતા. જ્યારે કારની પાછળ બેસેલી મહિલાને પોલીસે ઝડપી પાડી કારમાંથી દારૂની ૨૫૦ બોટલ કિં.રૂ.૨૬,૬૫૦, ઑલ્ટો કારની કિંમત રૂ.૧ લાખ તેમજ એક મોબાઈલ કિં.રૂ.૫,૦૦૦ રોકડા રૂપિયા ૧,૩૩૦ મળી કુલ રૂ.૧,૩૨,૯૮૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે મહિલા હાર્દિકાબેન રાજેશભાઇ માંગેલા (રહે.વેલવાચ મંદિર ફળીયા તા.જી.વલસાડ)ની ધરપકડ કરી હતી.જ્યારે ઑલ્ટો કારનો ડ્રાઇવર વિન્ટલ નરેશભાઈ પટેલ (રહે.વેલવાચ મંદિર ફળીયા તા.જી.વલસાડ) અને રાહુલ ધો.પટેલ (રહે.વેલવાચ)ને વોન્ટેડ જાહેર કરી ગુનાની વધુ તપાસ ગણદેવી પોલીસ મથકના પીએસઆઇ-એસ.વી.આહીર કરી રહ્યા છે.