સુરત : મોટા વરાછા વિસ્તારમાં રહેતા સિધ્ધેશ્વર કોર્પોરેશનના બિલ્ડર અશ્વિન ચોવટીયાના કેસમાં અમદાવાદમાં ફરિયાદ દાખલ થઈ હતી. બાદમાં આ ફરિયાદને તપાસ માટે સુરતના સરથાણા પોલીસમાં મોકલવામાં આવી છે. અશ્વિન ચોવટીયા દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં સુરતના જાણીતા જમીનના વેપારી, બ્રોકરો તેમજ અન્યોના નામો લખવામાં આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
- તમામે ભેગા થઈને ધમકી આપી, ફ્લેટ લખાવી લીધા, મિલકતો પણ લખાવી લીધાના આક્ષેપો
- અમદાવાદ ખાતે નોંધાયેલી ફરિયાદ તપાસ માટે સુરતના સરથાણા પોલીસમાં મોકલવામાં આવી
અશ્વિન ચોવટીયા દ્વારા એક ચિઠ્ઠી લખવામાં આવી હતી. જેમાં બધાના નામો લખવામાં આવ્યા હતા. બાદમાં અમદાવાદ ખાતે કરવામાં આવેલી પોલીસ ફરિયાદમાં અશ્વિન ચોવટીયાએ જણાવ્યું છે કે, તેઓએ વર્ષ 2017માં નિર્માણ કરેલી સહજાનંદપ્રસ્થ નામની સ્કીમમાં જમીન દલાલ ગુડ્ડુ પોદારને દસ ફલેટની ડાયરી આપેલી હતી. બાર હપ્તામાં ગુડ્ડુ પોદારે આ નાણા ચૂકવવાના હતા. તેણે 3 ફલેટના જ નાણા ચૂકવતાં ફ્લેટના દસ્તાવેજ તેના નામે કરી આપવામાં આવ્યા હતા. ગુડ્ડુ પોદારની જવાબદારી ધીરૂભાઇ હીરપરા, પરેશ વાડોદરિયા, રજની ડોબરિયાએ લીધી હતી. જયારે અન્ય સાત ડાયરી પૈકી 3 ડાયરી તેણે જાણીતા જમીનના વેપારી જયંતિ એક્લેરાને વેચી હતી. જયંતિ એકલેરાએ આ ડાયરીના નાણા ન ભરાયા હોવા છતાં બિલ્ડર અશ્વિનને વારંવાર ધમકીઓ આપી હતી. તેથી તેઓએ તેમની મિલકતો જયંતિ એકલેરાને નામે કરી આપીલ હતી.
આ ઉપરાંત એકલેરાએ વધારાના 56 લાખની માંગણી કરવામાં આવી અને બળજબરીપૂર્વક 1.60 કરોડ લીધા છે તેવા લખાણ પણ લખાવી લીધા હતા. આ નાણાં ચૂકવ્યા બાદ પણ તેઓ પાસે માંગણીઓ ચાલુ રાખવામાં આવી હતી. જયંતિ એકલેરાનું ઉપરાણું લઇને ધીરુભાઈ, પરેશ, રજની અને ગુડ્ડુ વારંવાર ધમકી આપતા હતા. આ ઉપરાંત તેઓએ જિગ્નેશ સાવલિયા પાસેથી 2 કરોડ રૂપિયા પાંચ ટકા લીધા હતા. તેના તેઓએ 60 લાખ ચૂકવવાના હતા. તેની જગ્યાએ આ લોકોએ 82 લાખની મિલકત તેઓના નામે કરાવી લીધી હતી.
કરોડોના ફ્લેટ બળજબરીપૂર્વક નામે કરાવી લીધાની અશ્વિનના આક્ષેપો
અશ્વિન ચોવટિયાએ આક્ષેપ કર્યા છે કે આ તમામ લોકોએ તેઓ સાથે ફલેટના સોદા કર્યા ત્યારબાદ તેનું પેમેન્ટ ચૂકવ્યું નહીં. બાદમાં દસ્તાવેજ કરાવી તેઓએ ધાક ધમકી આપીને ડાયરી કન્ફર્મ કરાવી લીધી હતી. જયંતિ બાબરિયા ઉર્ફે એકલેરાએ 1.60 કરોડના મિલકતોના દસ્તાવેજ બળજબરીપૂર્વક તેઓ પાસેથી કરાવી લીધા છે. ગઇ તા. 27 ડિસેમ્બર 2021ના રોજ જયંતિ એકલેરાએ તેના સાથીદારો સાથે આવીને તેઓને ખૂબ જ ત્રાસ આપ્યો હતો. આ ઉપરાંત જો પોલીસને ફરિયાદ કરી તો મારી નાંખવાની ધમકી આપી હતી. આ લોકોના ત્રાસથી બિલ્ડર અશ્વિને સુરત છોડીને અમદાવાદ રહેવા ચાલ્યા ગયા હતા. અહી પણ ત્રાસ ગુજારવાનું અને હેરાન કરવાનું ચાલુ રાખતા આખરે કંટાળીને તેઓએ એવું પગલું ભર્યું હતું.
અશ્વિન ચોવટીયાની ફરિયાદની તપાસ ક્રાઈમ બ્રાંચના ઉચ્ચઅધિકારીઓની સાથે સીટ દ્વારા કરાશે
મોટા વરાછાના બિલ્ડર અશ્વિન ચોવટીયા દ્વારા ટોચના જમીનવેપારી જયંતિ એક્લેરા સહિત અન્યો સામે કરવામાં આવેલી ફરિયાદની તપાસ ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ અધિકારીઓની સાથે સીટ દ્વારા કરવામાં આવશે તેવા આદેશો મોડેથી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યા હતા.