Business

ઇલેક્ટ્રિક વ્હીકલના યુગમાં ટેસ્લાનું આગમન! ટુ-વ્હીલર EV ચાર્જિંગ પોઈન્ટ સ્થાપિત કરવાની યોજના!

બે પૈડાંના વાહનો દેશનાં રસ્તા પર એટલાં દોડે છે કે દુનિયાની કોઈ ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવતી કંપની ભારતમાં આવવાનો મોહ ન છોડી શકે. ભારત વિશ્વનું સૌથી મોટું બે પૈડાંના વાહનોનું  માર્કેટ છે જે દર વર્ષે ૨૨ મિલિયન યુનિટ્સ ધરાવે છે. ૨૦૨૪ સુધીમાં, ઈલેક્ટ્રિક  બે પૈડાંના વાહનોનું  ભારતમાં 3 મિલિયનથી વધુ એકમોનાં વેચાણ સાથે બિલિયન ડોલરનું બજાર હશે. આ સાથે દેશમાં જે ગતિથી હાઇવે બની રહ્યાં છે,ફ્લાય ઓવરબ્રિજ બની રહ્યાં છે તે ગતિ સાથે વાહનોની ગતિ પણ તાલ મેળવશે,પરંતુ પેટ્રોલ,ડીઝલ અને ગેસ સામે ટક્કર ઝીલવા ઇલેક્ટ્રિક વ્હીકલ હવે અનિવાર્ય બનતાં જાય છે.વિદેશોમાં ઇલેક્ટ્રિક સંચાલિત બે પૈડાંના વાહનો સાઈકલથી મોટર બાઈક સુધી વિકસી ગયાં છે.દેશમાં બેટરી ચાર્જ કરવાની સગવડ વિકસતી જશે. ઇલેક્ટ્રિક વ્હીકલના ઉત્પાદનમાં જબરદસ્ત ઝડપ આવશે. અમેરિકાની ટેસ્લા પાવર ભારતીય સ્ટોરેજ બેટરી ઉદ્યોગમાં ઓટોમોટિવ અને ઔદ્યોગિક બેટરી એપ્લિકેશનના  મોટા ઉત્પાદકોમાંનું એક છે.

વિશ્વની ટોચની અદ્યતન રિચાર્જેબલ બેટરી સોલ્યુશન્સ પ્રદાન કરતી ટેસ્લા પાવર નજીકના ભવિષ્યમાં ભારતમાં પોતાનો વિસ્તાર કરશે. સમગ્ર ભારતમાં  ફ્રેન્ચાઈઝીની માલિકીની ટેસ્લા પાવર શોપ્સમાં  વર્ષ ૨૦૨૫ સુધી ૫૦૦૦ ઇલેકટ્રીકલ   ટુ-વ્હીલર માટે  વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનો બનાવવાની  યોજના  છે. ભારતના આધુનિક ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે તે ઈ-વાહનોના વિકાસ માટે નવી ટેક્નોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે. EV ના ઉદય માટે ભારતનું યોગદાન અનેક યોજના હેઠળ થઈ રહ્યું છે,દેશની બેટરી ઉત્પાદક કંપનીઓ પણ જોર લગાવી મેદાનમાં ઉતરશે અને જેટલી ઝડપે બે પૈડાંના ઇલેક્ટ્રીક વાહનો, જેને સરળતાથી બેટરી ચાર્જની સગવડ મળે તો,  સંદેહ નથી કે તેને પશ્ચિમી દેશો અનુસરશે. ટેસ્લા આટલા મોટાં  ઓટોમોબાઇલ બજારમાં પોતાનો ફેલાવો વધારવા પુરું બળ લગાવશે તે સમજવુ સહેલું હતું.

તાજેતરમાં નવી દિલ્હીમાં ટેસ્લા પાવર જેનું મુખ્યમથક ડેલવેરમાં છે તેમણે આ ઈન્ડિયા બિઝનેસ મીટનું આયોજન કર્યું હતું. આ મેળાવડામાં કંપનીના MD અને ગ્લોબલ CEO જોન એચ વ્રતસીનાસ, ભારત ખાતેના MD કવિન્દર ખુરાના અને બિઝનેસ હેડ  સંદીપ અવસ્થી પણ હાજર હતાં. ટેસ્લા પાવર  ભારતમાં બેટરીની અગ્રણી બ્રાન્ડ્સમાંની એક છે. કંપની  ૨૫૦ જેટલાં ટેસ્લા પાવર શોપ્સ  ફ્રેન્ચાઈઝીની સાથે ૨૦ રાજ્યોમાં આશરે ૨૦૦ વિતરકો સાથે સક્રીય છે.  ઇલેક્ટ્રિક વ્હીકલના ઉપયોગને પ્રોત્સાહિત કરવા અને પર્યાવરણના પક્ષે દેશમાં પરિવર્તન થઈ રહ્યાં છે. આ સંદર્ભમાં ટેસ્લા તરફથી  યોગદાન આપવા  પ્રતિબદ્ધતા દાખવી છે. 

ટેસ્લા પાવર શોપ્સ સેવા, વેચાણ અને EV ચાર્જિંગનું હાઇબ્રિડ મોડલ બનાવશે. ઇલેક્ટ્રિક વ્હીકલ અને ટુ-વ્હીલર ક્ષિતિજ સમગ્ર ભારતમાં ફેલાવવામાં તેમને મદદ કરતું મુખ્ય પરિબળ સૌથી મોટા સર્વિસ નેટવર્ક સાથેની સૌથી લાંબી વોરંટી છે.  કંપની ‘Rent A Battery ‘ વિકલ્પ રજૂ કરવાની યોજના બનાવી રહી છે,આ યોજના મુજબ  સ્કૂટર ખરીદો,  બેટરી ખરીદવાની જરૂર નથી અને તે  યોજના સ્કૂટરની માલિકીની કિંમત ૫૦% સુધી ઘટાડશે.  પર્યાવરણ સામે ઇલેક્ટ્રિક વ્હીકલ બે તરફી વિકલ્પ છે,દેશની અંદર ઈંધણના આયાતની રેખા ટૂંકાવશે. તે આર્થિક સુધારો સામાન્ય નાગરિકનું જીવન બદલી નાખશે! મહાનગરો અને ઉપનગરોમાં હવાની ગુણવત્તા બગડી રહી છે, મૌસમનો બદલતો મિજાજ વિનાશ સર્જે છે તે રોકવા જે નવી દિશા ખૂલવી જોઈએ તેમાં ટેસ્લાને માર્ગ મળે અને સ્પર્ધાત્મક ઉદ્યોગ બને તે આવકારવા જેવું છે!

Most Popular

To Top