ગાંધીનગર: ગુજરાત (Gujarat) આમ આદમી પાર્ટીના (AAP) પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ (IshudanGadhvi) લોકસભા ચૂંટણી 2024ને (LokSabhaElection2024) અંગે મોટી જાહેરાત કરી છે. ગઢવીએ કહ્યું કે, ગુજરાતમાં આગામી લોકસભા ચૂંટણી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ (Congress) પક્ષ ભેગા મળીને ભાજપ સામે લડશે. બંને પક્ષ I.N.D.I.A. ગઠબંધનના નેજા હેઠળ ગુજરાતમાં ચૂંટણી લડશે.
ગઢવીએ કહ્યું કે, I.N.D.I.A. નું ગઠબંધન ગુજરાતમાં પણ અમલમાં મુકાશે. હાલ રાજ્યમાં બેઠકોનો સરવે ચાલી રહ્યો છે. નજીકના દિવસોમાં ચૂંટણી અંગે નિર્ણય લેવાશે. ગઢવીએ વધુમાં કહ્યું કે, I.N.D.I.A. ગઠબંધનથી ભાજપ ગભરાયું છે. 2024ની લોકસભા ચૂંટણીમાં I.N.D.I.A. ગઠબંધન NDAને હરાવશે તેવું ભાજપના નેતાઓ સમજી ચૂક્યા છે, તેથી જ તેઓ I.N.D.I.A. ગઠબંધનને ભાંડી રહ્યાં છે.
ઈસુદાન ગઢવીએ કહ્યું કે, રાજ્યમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે બેઠકોની વહેંચણી કરી ચૂંટણી લડશે. મને વિશ્વાસ છે કે જો બેઠકોની વહેંચણી યોગ્ય રીતે થશે તો ભાજપ ગુજરાતમાં 26 બેઠકો પૈકી એક પણ બેઠક જીતી શકશે નહીં.
ભાજપના આંતરિક વિવાદ અંગે ગઢવીએ કહ્યું…
આજે પત્રકાર પરિષદને સંબોધતી વખતે ઈસુદાન ગઢવીએ ગુજરાત ભાજપમાં ચાલતા આંતરિક ડખા અંગે પણ ચર્ચા કરી હતી. ગઢવીએ કહ્યું કે, યુનિવર્સિટી ટેન્ડરોથી લઈ જમીન કૌભાંડોમાં ભાજપના નેતાઓના નામ બહાર આવતા રાજીનામા પડ્યાની ચર્ચા છે. જોકે, રાજીનામા એ જે તે પક્ષની આંતરિક બાબત છે. જોકે, પ્રજાના કરવેરાના પૈસા કોઈ લઈ જાય કે તે પ્રજાને ટેક્સના રૂપિયાનો ઉપયોગ થાય અને તેના પગલે રાજીનામા પડે તો તેવા કેસમાં તપાસ થવી જરૂરી છે.
ગઢવીએ આડકતરી રીતે પત્રિકાકાંડનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે પત્રિકાકાંડ બાદ રાજીનામા પડ્યા છે. સત્તાનો દુરુપયોગ થયો છે. કૌભાંડ તયા છે. કોણે કેટલી મલાઈ ખાધી તે બાબતે તપાસ થવી જોઈએ. આમ આદમી પાર્ટીએ તપાસની માંગ કરી છે. ગઢવીએ એક નેતાની અરજીમાં બીજા નેતાને ઉપાડી જઈ પૂછપરછ કરવાના મામલે પોલીસની ભૂમિકા સામે પણ પ્રશ્નો ઉભા કર્યા હતા.