સુરત : (Surat) સુરતમાં પૂર્વ ડેપ્યુટી મેયરના (Ex. Dy. Mayor) પુત્રને દાદાગીરી કરવાનું ભારે પડ્યું હતું. અહીં સર્વિસ રોડ પરથી જતા વરઘોડામાંથી પોતાની કાર પસાર કરવા માટે વારંવાર હોર્ન વગાડવાની અને જાનૈયાઓને હટી જવા માટે એલફેલ બોલવાની હરકતને પગલે જાનૈયાઓ વિફર્યા હતા. જાનૈયાઓમાંથી ચાર-પાંચ છોકરાઓએ કારમાંથી બહાર કાઢી બોનેટ પર સુવડાવી પૂર્વ ડેપ્યુટી મેયરના દીકરાને માર્યો હતો. મામલો એટલો બગડ્યો હતો કે તે પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. આખરે જાનૈયાઓએ માફી માંગી લેતા સમાધાન થયું હતું.
પૂર્વ ડેપ્યુટી મેયરના દિકરા રસ્તા પરથી પસાર થતી જાનને હટાવવા માટે જોર જોરથી હોર્ન વગાડવાનુ ભારે પડી ગયુ હતું. રસ્તામાં દાદાગીરી કરતાં લગ્નપ્રસંગમાં હાજર યુવાનોની આ પૂર્વ ડેપ્યુટી મેયરના નબીરા સાથે ઉગ્ર બોલાચાલી થઇ હતી. દરમિયાન પૂર્વ ડેપ્યુટી મેયરના દિકરાને રસ્તા ઉપર જ યુવાનોએ મેથીપાક આપ્યો હતો. આ મામલે રાજકીય આગેવાન મેદાનમાં આવ્યા હતા. તેઓ અડાજણ પોલીસ સાથે લગ્નસભારંભમાં ઘૂસી ગયા હતા અને જોરથી કેમ ડીજે વગાડો છો કહીને યુવાનોને બહાર ખેંચ્યા હતાં. હિસાબ કિતાબ સરભર કરવા માટે યુવાનોને ફટકારાયાં હતાં.
આ લગ્ન પ્રસંગ ભારે તોફાની બન્યો હતો. દરમિયાન અડાજણ પોલીસની એક તરફી દાદાગીરી સામે લગ્નના જાનૈયાઓ પણ નમ્યા ન હતા. આખરે ગભરાયેલી અડાજણ પોલીસ અને રાજકીય આગેવાને ચૂપચાપ મોડી રાત્રે જાનૈયાઓનુ શરણુ લીધુ હતું. આ જાનૈયાઓ પૈકી કેટલાક જાનૈયાઓ મોટા માથા હોવાને કારણે બાદમાં રાજકીય આગેવાનની દાદાગીરી ઠંડી પડી ગઇ હતી. અલબત અડાજણમાં આ કિસ્સો જોર શોરથી ચર્ચાવાતે ચઢયો હતો. અડાજણ પીઆઇ બીસી સોલંકીએ જણાવ્યુંકે મોડી રાત્રિએ બે પક્ષો વચ્ચે સમાધાન થયું હતું તેથી તેઓએ કોઇ પોલીસ ફરિયાદ લીધી નથી.