સુરત: સુરતમાં (Surat) મામાના મિત્રએ કિશોર વયની છોકરી પર દાનત બગાડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. કિશોરી મામાના ઘરમાં એકલી હતી ત્યારે મામાના મિત્રએ તેનું મોઢું દબાવી લાજ લેવાની કોશિશ કરી હતી. જોકે કિશોરીએ હિંમત દાખવીને બૂમાબૂમ કરતા મામાનો નરાધમ મિત્ર ગભરાયો હતો અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
- સુરતના સચિન વિસ્તારની ઘટના, મામાના રૂમ પાર્ટનરે કિશોરીની લાજ લેવાની કોશિષ કરી
- મામા શાકભાજી લેવા ગયા ત્યાર બાદ રૂમમાં એકલી કિશોરીનું મોઢું દબાવી દીધું
- કિશોરીએ બૂમાબૂમ કરતા નરાધમ ભાગી છૂટ્યો, પોલીસે ધરપકડ કરી
આ ઘટના સચિન સુડા વિસ્તારમાં રહેતી મહિલાની કિશોરી સાથે બની છે. ગઈકાલે રવિવારે મહિલા પોતાની પુત્રીને સચિન વિસ્તારમાં રહેતા ભાઈને ઘરે મૂકીને કામ પર ગઈ હતી. ત્યાર બાદ કિશોરીને ઘરે એકલી મુકી મામા શાકભાજી લેવા ચાલ્યો ગયો હતો. આ સમયે રૂમમાં કિશો૨ીને એકલી જોઈ મામાના રૂમ પાર્ટનરે દાનત બગાડી હતી અને કિશોરીનું મોઢું દબાવી તેની લાજ લેવાની કોશિશ કરી હતી. જોકે કિશોરીએ બૂમો પાડવા લાગતા નરાધમ ત્યાંથી ભાગી છૂટયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. પોલીસ પણ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને નરાધમને ઝડપી પાડ્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુડા સેક્ટરમાં રહેતા દંપતિ મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. દંપતી પૈકી મહિલાએ રવિવારે પોતાની 12 વર્ષીય પુત્રીને સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલમાં રહેતા પોતાના ભાઈના ઘરે મૂકીને કામ ઉપર ચાલી ગઈ હતી. સાંજે કિશોરીનો મામા શાકભાજી લેવા માટે ગયો હતો. ત્યારે કિશોરી રૂમમાં એકલી હતી. તે વખતે તેના મામાના રૂમ પાર્ટનર વિલાસ પાસવાન(ઉ.વ.26) એ કિશોરીને એકલી જોઈએ તેને પકડી લીધી હતી અને મોઢું દબાવી તેની સાથે જબરજસ્તી કરવા લાગ્યો હતો.
કિશોરીએ હિંમત દાખવીને બુમાબુમ કરતા નરાધમ ચંદન ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ઘટનાને પગલે સ્થળ ઉપર લોકો પણ ભેગા થઇ ગયા હતા તેની માતાને જાણ કરવામાં આવતા તે પણ તાત્કાલિક દોડી આવી હતી. ઘટના અંગે જાણ કરવામાં આવતા સચીન પોલીસની પીસીઆર તથા ડી સ્ટાફનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને નરાધમ ચંદન આમતેમ ભાગી છૂટે તે પહેલા જ તેને દબોચી લેવામાં આવ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ હાલમાં છેડતીનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.