સુરત : (Surat) પૂણા વિસ્તારમાં પોલીસનો (Police) ડ્રેસ પહેરીને રોફ જમાવનારા બેકાર યુવકને પૂણા પોલીસે પકડી (Arrest) પાડ્યો હતો. પકડાયેલો આ યુવક પોલીસના નામે રૂા. 21 હજારના સોફા (Sofa) લઇ આવ્યો હતો. આ ઉપરાંત ઇંડાની (EGG) લારીમાં જઇને મફતમાં ઇંડા પણ ખાતો હતો.
‘હું પીઆઇનો રાઇટર છું, પોલીસ મથકમાં સોફા જોઇએ છે’ : ડુપ્લીકેટ પોલીસે ફર્નિચરના માલિકને દમ માર્યો
પ્રાપ્ત વિગતો મુજબ મગોબના ટોરેન્ટ પાવર હાઉસની બાજુમાં સુભાષ નગર સોસાયટીમાં રહેતો રોહિતકુમાર વિનુભાઇ દેવીપૂજક (ઉ.વ.20) કેનાલ રોડ ઉપર પોલારીસ ટાવર મોલ પાસે ખુલ્લા મેદાનમાં તમન્ના ફર્નિચર નામથી દુકાન ધરાવી જૂના તેમજ નવા ફર્નિચરની લે-વેચ કરી વેપાર કરે છે. થોડા દિવસો પહેલા તેમની દુકાનમાં એક ઇસમ પોલીસની વર્ધી પહેરીને આવ્યો હતો અને કહ્યું કે, હું પૂણા પોલીસના પીઆઇ સાહેબનો રાઇટર છું, મારુ નામ કુલદીપ આહીર છે. પોલીસ સ્ટેશનમાં સોફા જોઇએ છે તું સોફાના સેટ આપ, નહીં તો તારી સામે કાયદેસરની કાર્યવાહી કરી જેલભેગો કરી દઇશ’ કહીને વેપારી પાસેથી રૂા. 21 હજારની કિંમતના બે સોફા-સેટ લઇ ગયો હતો.
આ ઉપરાંત ફર્નિચરની દુકાનની બાજુમાં જ આવેલી ઇંડાની લારી ઉપર પણ લારી ઉપર આવીને તેના ચાલકને ધમકાવી મફતમાં ઇંડા ખાઇ લીધા બાદ પાર્સલ પણ લઇ જતો હતો. આ ઉપરાંત ફર્નિચરના માલિકના મિત્રને પોલીસ મથકમાંથી જ વાહન અપાવવાનું કહીને 8 હજાર પડાવી લીધા હતા. બનાવ અંગે પોલીસને માહિતી મળતા જ પોલીસે મુળ ભાવનગરના તળાજાના ઉમરાળા ગામના વતની અને સુરતમાં પૂણાગામ કુબેરનગર વિભાગ-2માં રહેતા કિરણ ઉર્ફે કુલદીપ સોલારભાઇ બારડને પકડી પાડ્યો હતો.