સુરતના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ એક ડ્રગ્સ સપ્લાયરને 236.780 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. આ ડ્રગ્સની કિંમત 7.10.340 લાખ થાય છે. સપ્લાયર વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને સ્નેપ ચેટ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ડ્રગ્સનો ઓર્ડર લેતો હોવાની ચોંકાવનારી હકીકત એસઓજીની તપાસમાં બહાર આવી છે.
- SOGએ અમરોલીમાંથી 236.780 ગ્રામ ડ્રગ્સ સાથે સપ્લાયર જીલ ઠુમ્મરને પકડયો
પ્રાપ્ત માહિતી અનુસાર બાતમીના આધારે એસઓજીએ 21 વર્ષીય સપ્લાયર જીલ ભુપત ઠુમ્મર (રહે. ઘર નં. 43 ક્રિષ્ણા પાર્ક સોસાયટી, છાપરાભાઠા રોડ, અમરોલી, મૂળ ગામ બામણગઢ, ભેંસાણ, જુનાગઢ)ને મેફેડ્રોન (MD) ડ્રગ્સ 236.780 ગ્રામ સહિત કુલ 7,10,340ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસની તપાસમાં એવી હકીકત બહાર આવી છે કે આરોપી સ્નેપ ચેટ, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ એપના માધ્યમથી ઓર્ડર લીધા બાદ ડ્રગ્સ સપ્લાય કરતો હતો. જીલના પકડાવાથી મોટા ડ્રગ્સ સપ્લાય રેકેટને ઝડપી પાડવામાં આવે તેવી આશા બંધાઈ છે.
સપ્લાયર આ રીતે પકડાયો
શહેરના અમરોલી વિસ્તારમાં રહેતો યુવક એમડી ડ્રગ્સનો જથ્થો લઈને આવ્યો હોવાની અને તે અમરોલીમાં જ એક સોસાયટીમાં ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરવા જવાનો હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે સોસાયટીના ગેટ પાસે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેમની પાસેથી રૂપિયા 7.10 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ જપ્ત કરી તેમની કાયદેસરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેર પોલીસ દ્વારા હાલમાં નાર્કોટિક્સ ડ્રગ્સને સંપૂર્ણપણે નેસ્ટ નાબૂદ કરવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ દરમિયાન ગતરોજ સુરતની એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે અમરોલી વિસ્તારમાં આવેલ છાપરાભાઠા રોડ પર ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતો યુવક ડ્રગ્સનો જથ્થો લઈ આવ્યો છે અને તે એમડીક્સ નો માલ છાપરાભાઠા વિસ્તારમાં આવેલ ગણેશ નગર રો હાઉસમાં વેચાણ કરવા માટે જવાનો છે.
જે બાતમીના આધારે પોલીસે છાપરાભાઠા રોડ પર આવેલ ગણેશ નગર રો હાઉસ વિભાગ-4 ના ગેટ સામે વોચ ગોઠવી હતી અને પોલીસે બાતમીમાં વર્ણન વાળા જીલ ભુપતભાઈ ઠુંમર (રહે ક્રિષ્ના પાર્ક સોસાયટી છાપરાભાઠા રોડ અમરોલી) ને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની અંગઝડતી લેતા તેમની પાસેથી મેફ ડ્રોન ડ્રગ 236.780 ગ્રામ નો જથ્થો મળી આવ્યો હતો. જેની કુલ કિંમત રૂપિયા 7.10 લાખ હતી. પોલીસે ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નિરમા, ટાઈડ જેવા કોડવર્ડથી વેચાણ થતું
પોલીસ સૂત્રોએ કહ્યું કે સપ્લાયર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઓર્ડર લેતો હતો. ડ્રગ્સ માટે સ્પેશિયલ કોડવર્ડ લેંગ્વેજ હતી. જેમાં વિવિધ ક્વોલિટીના ડ્રગ્સ માટે નિરમા, ઓજી, ટાઈડ, દવા વિગેરે કોડવર્ડનો ઉપયોગ થતો હતો. જીલ ઠુમ્મર મૂળ જૂનાગઢના ભેસાણ તાલુકાના બામણગઢ ગામનો વતની છે અને સુરતમાં અમરોલી ખાતે રહી નોકરી કરતો હતો. જોકે, ઝડપથી પૈસા કમાવવાની લાલચે તે ડ્રગ્સના રવાડે ચઢ્યો હતો. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે માત્ર એક પ્યાદું હતું. તેને ડ્રગ્સનો જથ્થો પૂરો પાડનાર મુખ્ય સૂત્રધારો ખુશાલ વલ્લભભાઇ રાણપરીયા અને ભરત ઉર્ફે ભાણો દામજીભાઇ લાઠીયા નામના શખસો છે. આ બંને આરોપીઓ હાલ પોલીસ પકડથી દૂર છે અને તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.