સુરત: (Surat) ઓમિક્રોનનાં (Omicron) લક્ષણો હળવા હોવાનું કહીને ખુદ સરકાર (Government) લોકોને પ્રોત્સાહન આપતી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ હવે આ હળવા લક્ષણોએ ગંભીર સ્વરૂપ બતાવવા માંડ્યું છે. બુધવારે શહેરમાં બે દર્દીનાં (Patient) કોરોનાથી મોત (Death) થયાં છે. જ્યારે અન્ય બે દર્દીનો કોવિડ પ્રોટોકોલ (Protocol) મુજબ અંતિમ નિકાલ કરાયો છે. આ સિવાય નવી સિવિલ અને સ્મીમેરમાં દાખલ દર્દીઓ પૈકી 30 ટકા દર્દી ગંભીર હોવાનું ધ્યાને આવ્યું છે.
- બે દર્દીના મૃતદેહનો ગાઈડ લાઈન મુજબ નિકાલ કરાયો, નવી સિવિલ અને સ્મીમેરમાં 10 ટકા દર્દી અતિ ગંભીર
- વેક્સિનના બે ડોઝ લેનાર પનાસ ગામના 35 વર્ષીય યુવકના મોત બાદ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
- નવી સિવિલમાં દાખલ 66 પૈકી 3 દર્દી વેન્ટીલેટર પર, સ્મીમેરમાં 17 પૈકી 6 વેન્ટીલેટર પર
શહેરના પનાસ ગામ ખાતે રહેતો 35 વર્ષીય યુવક 7 જાન્યુઆરીથી નવી સિવિલમાં ટીબી તથા અન્ય બીમારીની સારવાર માટે દાખલ હતો. જ્યાં તેનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દરમિયાન બુધવારે તેનું કોરોનાથી મોત નીપજ્યું હતું. યુવકે વેક્સિનના બંને ડોઝ લીધા હતા. બીજું મોત પાલ ખાતે રહેતા 70 વર્ષીય વૃદ્ધનું થયું છે. તેઓ ખાનગી હોસ્પિટલમાં હૃદય રોગના હુમલાની સારવાર માટે દાખલ હતા. અને સારવાર દરમિયાન કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં તેમનું મોત નીપજ્યું હતું. વૃદ્ધે કોરોનાની એક જ વેક્સિનનો ડોઝ લીધો હતો. શહેરમાં 1 જૂન-2021 પછી એટલે કે સાત મહિના પછી (221 દિવસ બાદ) બે મૃત્યુ નોંધાયાં હતાં. આ સિવાય શહેરની નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કુલ દર્દીઓમાંથી ગંભીર દર્દીઓની સંખ્યા 30 ટકા થઈ છે. જ્યારે અતિ ગંભીર દર્દી 10 ટકા છે. જો શહેરમાં લોકો હવે આ બાબતોને ગંભીરતાથી નહીં લે તો સેકન્ડ વેવની જેમ મોતનો તાંડવ શરૂ થતાં વાર નહીં લાગશે.
સ્મીમેરમાં દાખલ એક વૃદ્ધ અને એક વૃદ્ધાનું મોત, કોવિડ ગાઈડલાઈન મુજબ નિકાલ કરાયો
ઉમરા ગામમાં રહેતા 58 વર્ષીય વૃદ્ધને ડાયાબિટીસ સહિતની અન્ય બીમારીની સારવાર માટે સ્મીમેરમાં દાખલ કરાયા હતા. જ્યારે તાપી જિલ્લાના ઉચ્છલ ગામની 63 વર્ષીય વૃદ્ધાને પણ ડાયાબિટીસ અને હાઇપરટેન્શન તેમજ કિડની સહિતની બીમારીની સારવાર માટે સ્મીમેરમાં દાખલ કરાઈ હતી. આ બંનેના કોવિડ ટેસ્ટ કરાયા હતા. જ્યાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. બાદ બંનેનાં મોત નીપજતાં કોવિડ ગાઈડ લાઈન મુજબ નિકાલ કરાયો હતો. પરંતુ બંનેનાં મોતનું કારણ કોરોના નહીં પણ અન્ય બીમારી બતાવવામાં આવી હતી.
સિવિલ-સ્મીમેરમાં ગંભીર દર્દીઓની સંખ્યામાં વધારો
નવી સિવિલમાં હાલ દાખલ 66 પૈકી 3 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 6 દર્દી બાયપેપ ઉપર છે. સ્મીમેર હોસ્પિટલમાં દાખલ 17 દર્દી પૈકી 6 વેન્ટિલેટર પર, 2 બાયપેપ ઉપર અને 8 ઓક્સિજન ઉપર છે. સિવિલ અને સ્મીમેરમાં કુલ 83 દર્દી દાખલ છે. જેમાંથી કુલ 9 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 8 બાયપેપ ઉપર અને 8 ઓક્સિજન ઉપર છે.
નવી સિવિલ અને સ્મીમેરમાં દાખલ દર્દીની માહિતી
દર્દી સિવિલ સ્મીમેર કુલ
પોઝિટિવ 66 17 83
વેન્ટિલેટર 03 06 09
બાયપેપ 06 02 08
ઓક્સિજન 00 08 08