સુરત: સરથાણામાં (Sarthana) ઇનોવેટિવ વેલ્થ મેનેજમેન્ટ ફંડમાં (Fund) પૈસા રોકાણ કરાવવાના બહાને 18 લોકો પાસેથી 1.19 કરોડ રૂપિયા પડાવનાર દંપતી સામે છેતરપિંડીની (Fraud) ફરિયાદ નોંધાતાં ઇકો સેલે (Echo Cell) તપાસ હાથ ધરી હતી. દરમિયાન વોચ રાખીને બેસેલી પોલીસે સ્કૂલમાં પુત્રની માર્કશીટ લેવા આવેલી પિન્કીને પકડી પાડી હતી. અને બાદમાં તેના પતિની પણ ધરપકડ કરાઈ હતી.
ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતા સુરતમાં આર્થિક ગુનાખોરી પણ વધી ગઈ છે. ત્યારે ઇકો સેલની શરૂઆત થતા જ આર્થિક ગુનાખોરી કરનારાઓ ઉપર સકંજો કસવાનું શરૂ થઈ ગયું છે. સરથાણા પોલીસ સ્ટેશનમાં ગત તા.2 એપ્રિલે છેતરપિંડીની એક ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનામાં જયેશ નાગર અને પિન્કી જયેશ નાગર (બંને રહે.,૧૧૦૩, સિદ્ધિગીરી બિલ્ડિંગ, વેસ્ટર્ન હાઇટ્સ, અડાજણ) ઇનોવેટિવ વેલ્થ મેનેજમેન્ટ ફંડના નામે સ્કીમ ચલાવતાં હતાં. તેઓએ ભોગ બનનારને ઇનોવેટિવ વેલ્થ મેનેજમેન્ટ ફંડમાં પૈસા રોકાણ કરાવવા માસિક 2.5 ટકા નફો આપશે તેવી લોભામણી વાત કરી હતી. જેથી લાલચમાં આવીને થોડા થોડા કરી 9.90 લાખ આપ્યા હતા. બાદ આ અંગે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે ઇકો સેલ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જયેશ નાગર અને તેની પત્ની પિન્કી નાગરે બીજા 17 લોકો સાથે પણ આ જ રીતે પોતાની સ્કીમમાં 2.5 ટકા માસિક નફો આપશે તેમ કહી રોકાણ કરાવ્યું હતું. તેમણે 18 લોકો પાસેથી કુલ 1.19 કરોડનું રોકાણ કરાવી છેતરપિંડી કરી હતી.
અઠવાડિયાથી પોલીસે સ્કૂલમાં વોચ રાખી હતી
જયેશ નાગરનો દીકરો સેવન્થ-ડે સ્કૂલમાં ધોરણ-૧૧માં અભ્યાસ કરે છે. જે બાબતે તપાસ કરતાં તેની ધોરણ-૧૧ની પરીક્ષાની માર્કશીટ લઇ ગયા ન હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જેથી પોલીસે સ્કૂલ ઉપર સતત વોચ રાખી હતી. પિન્કી સ્કૂલમાં તેના પુત્રની માર્કશીટ લેવા આવતાં જ પોલીસે તેને ઝડપી પાડી હતી.
પોલીસથી બચવા પરિવાર અમદાવાદ ભાગી ગયો હતો
પિન્કીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, તેઓ મકાન ખાલી કરી મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરી અમદાવાદ પરિવાર સાથે જતા રહ્યાં હતાં. અને તેનો પતિ જયેશ નાગર હાલ અમદાવાદમાં હોવાનું જણાવ્યું હતું. પોલીસની એક ટીમ તાત્કાલિક અમદાવાદ પહોંચી હતી. અમદાવાદ, નરોડા દેહગામ રોડ, સમૃદ્ધિ સ્કાય એપાર્ટમેન્ટ, ફ્લેટ નં.બી/૭૦૪, ખાતેથી જયેશ નાગરને પણ ઝડપી પાડ્યો હતો.