સુરત: રાજ્યના સૌથી સમૃદ્ધ ગણાતા શહેર સુરતમાં હવે રાજ્યની સૌથી મોટી કલેક્ટર કચેરીનું નિર્માણ થવા જઈ રહ્યું છે. સુરતમાં 14 માળ ઊંચી કલેક્ટર કચેરી બનવા જઈ રહી છે. રૂપિયા 30 કરોડના ખર્ચે 14 માળના 4 ટાવર એક વર્ષના ટૂંકા ગાળામાં બનાવી દેવાશે. આ બહુમાળી સરકારી ઈમારતનું આર્કિટેક અનોખું રહેશે. તેને ગ્રીન કન્સેપ્ટના આધારે તૈયાર કરવામાં આવશે. આ પહેલી એવી ઈમારત બનશે જે ચોમાસા દરમિયાના આકાશમાંથી પડેલાં 2 લાખ લિટર જેટલાં પાણીનું સ્ટોરેજ કરી શકશે. આ ઉપરાંત આ ઈમારતમાં અંડર ગ્રાઉન્ડ પાર્કિંગ અને સોલાર સિસ્ટમની વ્યવસ્થા પણ કરવામાં આવનાર છે. આ ઈમારત 30 ટકા વીજળી સોલારમાંથી મેળવશે. આ ઈકોફ્રેન્ડલી ઈમારતના બાંધકામ માટેનું ખાતમુહૂર્ત આવતીકાલે તા. 21 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે.
- અડાજણ મામલતદાર, પ્રાંત ઓફીસ, સબ રજિસ્ટ્રાર અને સીટી સર્વેની ઓફિસ ૧૨ કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરાશે
- અને પુણા મામલતદારની 8.45 કરોડ અને ઉધના મામલતદાર ની 7.22 કરોડના ખર્ચે ઓફિસ બનશે
- મહેલૂસૂલ મંત્રી હર્ષ સંઘવી અને કલેક્ટર આયુષ ઓકના પ્રયાસે નવી કલેક્ટર કચેરીનું સપનું સાકાર થયું
આવતીકાલે સુરતમાં જુદી જુદી સરકારી કચેરીઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. જેમાં કોર્પોરેશનની કચેરી, પાણી પુરવઠા કચેરી, પંચાયતની કચેરીઓ અને મહેસૂલ વિભાગ ભવનનું લોકાર્પણ કરાશે. રૂપિયા 49 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી આ સરકારી કચેરીઓનું લોકાર્પણ થશે જ્યારે રૂપિયા 46 કરોડના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં સૌથી વધુ આકર્ષણ નવી કલેક્ટર કચેરીનું રહેશે.
સુરત કલેક્ટર કચેરીને પોતીકું સરનામું મળશે
લાંબા અરસા બાદ સુરત કલેક્ટર કચેરીને પોતીકું સરનામું મળશે. હાલમાં જિલ્લા સેવા સદન છે તે ભાડે છે. લાંબા સમયથી કલેક્ટર કચેરી માટે પોતાની જમીન શોધવામાં આવતી હતી. જે આખરે હવે મળી છે. લગભગ એકાદ વર્ષમાં નવી કલેક્ટર કચેરી તૈયાર થાય તેવી શક્યતા છે.
નવી કલેક્ટર કચેરીની ખાસિયતો
એસવીએનઆઈટી ગેસ્ટ હાઉસની નજીકના પ્લોટમાં નવી કલેક્ટર કચેરીનું નિર્માણ કરવામાં આવનાર છે. તેનું ભૂમિપૂજન આવતીકાલે મહેસૂલ મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. આ 14 માળની સરકારી ઈમારતમાં બે બેઝમેન્ટ પાર્કિંગ બનાવાશે. આ ઈમારતમાં એક જ છત નીચે મહેસૂલની તમામ કચેરીઓને આવરી લેવામાં આવશે. આ પહેલી એવી કલેક્ટર ઓફિસ બનશે જ્યાં આધુનિક કોન્ફરન્સ રૂમ સહિતની સુવિધાઓ રહેશે. તે ઉપરાંત કેન્ટીન, કાફે એરિયા પણ બનાવવામાં આવશે. આ જ કેમ્પસમાં બીજા 4 ટાવર બની શકે તેવી વ્યવસ્થા છે. તેથી ભવિષ્યમાં બીજા ચાર ટાવર ઉભા થાય તો દરેક ટાવર એકબીજા સાથે કનેક્ટ રહે તે રીતે ડિઝાઈન કરાશે.