SURAT

સુરતમાં BRTSના ડ્રાઈવરો હડતાળ પર ઉતરતા મુસાફરોને હાલાકી

સુરત: સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં લોકસભા ચૂંટણીની તૈયારી ચાલી રહી છે, ત્યારે આજે સુરતમાં સુરત મનપા સંચાલિત બીઆરટીએસ બસના કર્મચારીઓ અચાનક હડતાળ પર ઉતરતા તંત્ર દોડતું થઈ ગયું હતું. પગાર સહિતની પડતર માંગણીઓને લઈને કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. ડ્રાઈવરોએ બસ નહીં દોડાવવાનું એલાન કરી દીધું હતું. અચાનક સવારથી જ હડતાળને પગલે બસ નિયમિત રૂટ પર નહીં દોડતા મુસાફરો હેરાન થયા હતા.

સુરત મનપા સંચાલિત બીઆરટીએસના કર્મચારીઓ પાલનપુર બસ ટર્મિનલ પાસે હડતાળ પર ઉતર્યા છે. પગાર મુદ્દે કર્મચારીઓ દ્વારા હડતાળ કરવામાં આવી છે. 22,500 પગાર નક્કી કરાયો છે. જેની સામે 15,600 આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ કર્મચારીઓએ કહ્યું કે, લાઈસન્સ વગર ડ્રાઇવરો દ્વારા બસ કાઢવામાં આવી રહી છે. જે લોકો માટે જોખમી સાબિત થઈ શકે છે.

હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ કહ્યું કે, અમારું શોષણ કરવામાં આવી રહ્યું છે. એજન્સી દ્વારા નક્કી કરવામાં આવેલા રૂપિયામાંથી કટકી કરવામાં આવી રહી છે. આ સાથે ડબલ શિફ્ટ કરાવવામાં આવે તો તેના પણ પૂરતા પૈસા આપવામાં આવી રહ્યાં નથી. અગાઉ પણ અમે રજૂઆત કરી હતી. છતાં કોઈ નિરાકરણ ન આવતાં આ રીતે હડતાળ કરવાનો વખત આવ્યો છે.

નોંધનીય છે કે, સિટી બસ અને બીઆરટીએસની એજન્સી દ્વારા કર્મચારીઓને નિયમિત પગાર ચૂકવવામાં નહીં આવતા હોવાની અવારનવાર ફરિયાદો ઉઠતી રહે છે. પગારના મામલે કર્મચારીઓ હડતાળનું શસ્ત્ર ઉગામતા હોવાના લીધે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડે છે. તંત્ર દ્વારા ડ્રાઈવર-કંડક્ટર સહિતના કર્મચારીઓની કોઈ કાયમી ઉકેલ કરવામાં નહીં આવતું હોવાથી આ સમસ્યા દિનપ્રતિદિન વકરી રહી છે.

Most Popular

To Top