દેલાડ: પૂર્વ પ્રેમિકાએ (Ex Lover) અન્ય યુવક સાથે લગ્ન (Marriage) કરી લેતાં ઓલપાડના ઉમરા ગામના પરિણીત યુવાને પિત્તો ગુમાવ્યો હતો. આ માથાભારે યુવકે પૂર્વ પ્રેમિકાના સાસરીના મકાનમાં પહોંચી તોડફોડ કરી આગ ચાંપી દીધી હતી, એટલું જ નહીં પૂર્વ પ્રેમિકા અને તેના પતિને મારવા માટે લાકડાનો ધોકો લઈને ત્યાં જ બંનેની રાહ જોતો આખી રાત બેસી રહ્યો હતો એવું પડોશીએ જણાવતાં ગભરાયેલા યુગલે આખી રાત તેમના મામાના ઘરે શરણ લીધું હતું. સવારે ઘરે પહોંચ્યા તો ઘરનું તમામ ફર્નિચર બળી ગયું હતું ને પાંચ લાખનું નુકસાન થયાનું જણાતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
- ઉધનાના એ.ટી.એમ. ટેક્સટાઈલ માર્કેટમાં કાપડની દુકાન ચલાવતા વેપારીની ફરિયાદ
- પત્નીના પૂર્વ પ્રેમી ઉત્તમે તેના ઘરમાં ઘૂસી તોડફોડ કરી
- ઓલપાડના ઉમરા ગામમાં રાત્રે પ્રેમિકાના ઘરનું તાળું તોડી તોડફોડ કરી આગ લગાડતાં પાંચ લાખનો સામાન બળી ગયો
ઓલપાડના ઉમરા ગામના શ્રી હરિ પેલેસ, બી-૩૦૧માં રહેતા નિકુલ હસમુખ ગોંડલીયા (ઉં.વ.૩૦) (મૂળ રહે.,પીપળવાગીર, તા.ખાભા, જિ.અમરેલી) ઉધના એ.ટી.એમ. ટેક્સટાઇલ માર્કેટમાં કાપડની દુકાન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. નિકુલે ૨૦૧૯ની સાલમાં લગ્ન કર્યાં હતાં. તેની પત્ની ૨૫ દિવસ રહ્યા બાદ પિયર ચાલી ગઈ હતી. ૨૦૨૧ના ૧૧માં મહિનામાં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. એ દરમિયાન નિકુલનો બાજુની બિલ્ડિંગમાં રહેતી ડોલી નામની યુવતી સાથે પ્રેમસંબંધ બંધાતાં બંનેવે તા.૮/૨/૨૦૨૨ના રોજ રાજીખુશીથી લવ મેરેજ કરી લીધાં હતાં. લગ્ન પહેલાં ઉત્તમકુમાર ઉર્ફે રાજુ પાંચા બલદાણીયા સાથે ડોલીનો પ્રેમસંબંધ હતો પરંતુ ઉત્તમ ઉર્ફે રાજુ પરિણીત હોવાથી ડોલી સાથે બીજા લગ્ન કરી શકે તેમ ન હોવાને લઈને ડોલીએ ભવિષ્યને ધ્યાનમાં લઇ નિકુલ સાથે લગ્ન કરી લીધાં હતાં. ડોલીએ લગ્ન કરતાં ઉત્તમ તેણીને અવારનવાર ફોન પર તથા ઘરે આવીને ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો અને યેનકેન પ્રકારે પરેશાન કરતો હતો.
તા.૯/૩/૨૦૨૨ના રોજ નિકુલ અને ડોલી રાત્રે આઠ વાગ્યે સુરત રહેતા મિત્રની બર્થ-ડે પાર્ટીમાં ગયા હતા ત્યાંથી સાડા દસેક વાગ્યે ઘરે પરત ફર્યા હતા ત્યારે જાણવા મળ્યું કે, માથાભારે ઉત્તમ લાકડીનો ધોકો લઈને મારવા માટે નીકળ્યો છે. જેથી ગભરાઈને નિકુલ અને ડોલી મિલેનિયમ સોસાયટી ખાતે ચાલ્યા ગયા હતા. રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ ઉત્તમ ઉર્ફે રાજુ ફોરવીલ ગાડી લઈને હરિ પેલેસ સોસાયટીમાં જઇ નિકુલના ઘરનું તાળું તોડીને ઘરમાં ઘૂસી સામાન વેરવિખેર કરી નાંખ્યો અને તોડફોડ કરતો હતો તેની જાણ નિકુલને થઇ હતી. પરંતુ ગભરાયેલું દંપતી ઘરે ન ગયું હતું. તા.૧૦/૩/૨૦૨૨ની વહેલી સવારે સાડા પાંચેક વાગ્યે આવીને જોતાં ઘરનો સામાન વેરવિખેર હાલતમાં હતો. જેથી નિકુલને ત્યાં રોકાવું હિતાવહ નહીં જણાતાં મામા હરેશને ત્યાં જતા રહ્યા હતા.
પડોશીએ કહ્યું: ‘એક શખ્સ તમને મારવા ઘરની બહાર લાકડાનો ધોકો લઈને બેઠો છે ને ગાળો બોલે છે’
સાડા નવેક વાગ્યે નિકુલના પડોશી સંજયભાઈએ ફોન કરીને જણાવ્યું કે, રાજુભાઇએ તમારા મકાનમાં આગ લગાડી દેવામાં આવી છે અને લાકડાનો ધોકો લઈને તમારા મકાનની બહાર બેઠો છે અને આવતા-જતા લોકોને ગાળો આપે છે તથા જાનથી મારી નાંખવાની ધમકી આપે છે. ત્યારબાદ રાજુભાઈ ત્યાંથી ચાલ્યો જતાં નિકુલે અને તેના પિતાએ પાણીનો છંટકાવ કરી આગને ઓલવી હતી. ઘરમાં રાખેલા સોફા, હોમ થિયેટર, ગાદલા, ફર્નિચર, ફ્રીઝ વોશિંગ મશીન વગેરે ઘરવખરી સામાન સળગાવી દેતાં નિકુલને આશરે પાંચ લાખ જેટલું નુકસાન થયું હતું. જેથી નિકુલે ઉત્તમ ઉર્ફે રાજુભાઈ વિરુધ પોલીસ ફરિયાદ નોંધાવતાં ઘટનાની વધુ તપાસ ઓલપાડ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.આર.વસાવા કરી રહ્યા છે.