સુરત: (Surat) પાંડેસરા (Pandesara) વિસ્તારમાં કચરા પેટીમાંથી (Garbage Can) અધુરા માસે જન્મેલી બાળકી (Baby Girl) મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પાંડેસરામાં સતત બીજા દિવસે નવજાત ત્યજી દેવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ બાળક મળી આવ્યાની ઘટના સામે આવી હતી.
- પાંડેસરાના જગન્નાથનગરપાસે કચરા પેટીમાં બાળકીનો મૃતદેહ પડ્યો હતો, અધૂરા માસે જન્મેલી બાળકીને ફેંકી દેવાયી હોવાની શંકા
- રાહદારીની નજર પડતાં 108 અને પોલીસને જાણ કરાઈ, પાંડેસરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી
- પાંડેસરામાં સતત બીજા દિવસે નવજાતને તરછોડવાની ઘટના સામે આવતા ચકચાર
પાંડેસરા ખાતે જગન્નાથનગર પાસે રાહદારીની નજર કચરા પેટીમાં પડેલી બાળકી ઉપર પડી હતી. રાહદારીએ સ્થાનિકોનું ધ્યાન દોરતા લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને જોતા બાળકીના એક હાથને જનાવરે કરડી ખાધો હતો. પોલીસે બાળકીનો મૃતદેહ (Dead body) પીએમ માટે નવી સિવિલમાં ખસેડ્યો હતો. બાળકી અધૂરા માસે જન્મી હોવાનું લાગી રહ્યું છે. બાળકી આશરે 6-7 માસની હોય તેવું તબીબોને જણાવ્યું હતું. પાંડેસરા પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના આધારે વધારે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પાંડેસરામાં સતત બીજા દિવસે નવજાત તરછોડવાની ઘટના સામે આવી છે. મંગળવારે પણ એક નવજાત બાળકને કોઈ તરછોડી ગયાની ઘટના નોંધાઈ હતી.
બે દિવસ પહેલાં ભંગાર કારમાંથી 8 માસના બાળકનો મૃતદેહ મળ્યો હતો
આ અગાઉ બે દિવસ પહેલાં પાંડેસરાના કૈલાશ નગર પાસેથી 8 માસના બાળકનો મૃતદેહ મળ્યો હતો. માસૂમ બાળકનો મૃતદેહ કચરો ફેંકવાની જગ્યા પર પડેલી ભંગાર કારમાં મૃત હાલતમાં જોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા. તાત્કાલિક ઘટનાની જાણ પોલીસને કરી હતી. લોકોએ બાળકને બચાવવા 108ને પણ બોલાવી લીધી હતી. પોલીસ અધિકારીઓ ઘટનાની જાણ બાદ સ્થળ પર દોડી ગયા હતા. ડાયપર પહેરાવેલી હાલતમાં અને જમણા હાથ ઉપર ઇન્જેકટ કરી સેમ્પલ માટે લોહી પણ લેવાયું હોય એમ લાગે છે. બાળકને ચેક કરતા ધબક્કારા ન આવતા મૃત જાહેર કરી પોસ્ટમોર્ટમ રૂમમાં મુકવામાં આવ્યું છે.