SURAT

‘મારા માણસને લાઈનમાં ઉભો રાખે છે’, કહી આપના કોર્પોરેટરે સ્મીમેરના કર્મચારીને તમાચા મારી દીધા

સુરત(Surat): સુરત મનપા (SMC) સંચાલિત સ્મીમેર (SMIMER) હોસ્પિટલના કર્મચારી સાથે આપના (AAP) કોર્પોરેટરે (Corporator) ગેરવર્તન કર્યાની ફરિયાદ સામે આવી છે. આપના કોર્પોરેટરે સ્મીમેરમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કમ્પ્યૂટર ઓપરેટરને લાફો (Slap) માર્યો હોવાની બબાલ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હોવાની વિગતો જાણવા મળી છે.

સુરત આપના કોર્પોરેટરની દાદાગીરીનો એક કિસ્સો બહાર આવ્યો છે. સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે એક કર્મચારી સાથે હિંસક ગેરવર્તૂણક કર્યાની વિગતો જાણવા મળી છે. સ્મીમેર હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડની (Ayushman Card) સેવા આપતા કોમ્પ્યુટર ઓપરેટરને આપના કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ (Vipul Sohagiya) તમાચો મારી અપશબ્દો કહ્યા હોવાની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

આ બનાવની વિગત એવી છે કે આપના કોર્પોરેટર વિપુલ સોહાગીયાના કોઈ ઓળખીયા સ્મીમેરમાં ગયા હતા. તેઓ લાઈનમાં ઉભા હતા ત્યારે ત્યાં વિપુલ સોહાગીયા જઈ પહોંચ્યા હતા અને કોમ્પ્યુટર ઓપરેટરને તમાચો મારી ખખડાવતા કહ્યું હતું કે, મારા માણસને લાઈનમાં ઉભો રાખે છે. તેનું કામ કેમ કરી નથી આપતો?

કોમ્પ્યુટર ઓપરેટર રાહુલ પટેલે પોલીસને ફરિયાદમાં કહ્યું કે, વિપુલ સોહાગીયા એકાએક કેબિનમાં ઘુસી આવ્યા હતા અને તું મારો ફોન કેમ ઉપાડતો નથી? એમ કહી અપશબ્દો કહ્યા બાદ મને માર માર્યો હતો. જેના લીધે રાહુલ પટેલને ડાબા કાનના ભાગે દુ:ખાવો ઉપડ્યો હતો, જેના માટે રાહુલે હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. રાહુલ પટેલે આ મામલે વરાછા પોલીસને ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top