SURAT

અમરોલીમાં પ્રેમમાં પાગલ યુવકે પ્રેમિકાના ઘરને આગ ચાંપી સળગાવી દીધું

સુરત: અમરોલી સત્તાધાર સોસાયટીમાં રહેતી યુવતી સાથે પ્રેમમાં પાગલ બનેલા દિપક નામના યુવકે યુવતીની માતાને સળગાવીને પતાવી દેવાની ધમકી આપી હતી. અને યુવતીની બહેનને ચપ્પુ બતાવી મારવાની ધમકી આપી બાદમાં તેમના ઘરને આગ ચાંપી સળગાવી નાખ્યું હતું.

  • તારી મા જ તને નથી આવવા દેતી ને તો હું તેને સળગાવીને ઉડાવી દઈશ
  • યુવતીની બહેનને ચપ્પુ બતાવી અને માતાને સળગાવી મારી નાખવાની ધમકી આપી

અમરોલી સત્તાધાર સોસાયટી ખાતે રહેતી મહિલાએ અમરોલી પોલીસ સ્ટેશનમાં દિપક ઉર્ફે પ્રકાશ સાસ્મલની સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ મહિલાની 22 વર્ષીય દિકરી પ્રિયા (નામ બદલ્યું છે) અને દિપક વચ્ચે પ્રેમ સંબંધ હતા. દિપક પ્રિયાને આર્થિક મદદ પણ કરતો હતો.

દરમિયાન દિપક સાથે લગ્ન કરવા પ્રિયાએ ના પાડી હતી. જેને લઈને ગત 30 તારીખે રાત્રે દસ વાગે પ્રિયા અને તેની બહેન ઘરે હતી. ત્યારે દિપક ઘર નીચે ઊભો રહીને પ્રિયાને બૂમ પાડતો હતો. અને ફોન કરી ફ્લેટ નીચે આધારકાર્ડ લઈને બોલાવતો હતો. પરંતુ પ્રિયાએ તેની સાથે જવાની ના પાડતા દિપકે ફોન કરીને તેણીને તારી મા જ તને નથી આવવા દેતી ને તો હુ તેને સળગાવીને ઉડાવી દઈશ તેવી ધમકી આપતા તેઓ ડરી ગયા હતા અને ફોન બંધ કરી દીધો હતો.

દિપક તેના મિત્રો સાથે નીચે ઉભો હોવાથી તેમને ઘરના મુખ્ય દરવાજાને અંદરથી તાળુ મારી દીધું હતું. દિપકે દરવાજાને ખખડાવીને પ્રિયાની નાની બહેનને ચપ્પુ બતાવી ગાળો આપી હતી. અને આ લોકોને બહાર કાઢો તે બહાર નહીં આવે તો તાળુ તોડી અંદર આવી જઈશ અને તારી બહેનનું ઘર સળગાવી દઈશ તેવી ધમકી આપી હતી. અને જતો રહ્યો હતો.

બીજા દિવસે સવારે મહિલા દિકરીઓ સાથે તેની બહેન ઘરે હતાં હતા. ત્યારે સત્તાધાર સોસાયટીમાં રહેતા પડોશીએ ફોન કરીને મહિલાની બહેનને તારૂ ઘર સળગે છે તું જલ્દી આવ તેમ કહીને બોલાવી હતી. ત્યાં જઈને જોતા ઘરનો સામાન સળગતો હતો. અને ઘરમાં આગ લગાડી હતી.

બાદમાં ફાયર બ્રીગેડને જાણ કરતા તેમને આવીને આગ ઓલવી હતી. બાદમાં દિપકે ફોન કરીને પ્રિયાને સાંજ પડવા દે હું શુ કરૂ છું તે તુ જોઈ લે અને જોયુંને તારા ઘરની શુ હાલત કરી તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો. આ અંગે અમરોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top