સુરત: સુરતમાં (Surat) અઢી વર્ષના ઉંમરના બાળકનું ઉંઘમાં જ મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થયો છે. બાળક રાતે સૂઈ ગયા બાદ સવારે ઉટ્યું જ નહોતું. તેને બેભાન અવસ્થામાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. અચાનક બાળકના મૃત્યુથી પરિવારજનો આઘાત પામ્યા હતા. કયા કારણોસર બાળકનું મૃત્યુ થયું તેનું રહસ્ય સર્જાયું હતું.
ઘટના અંગે મળતી માહિતી મુજબ વેસુ ખાતે રસિકવિલા એપાર્ટમેન્ટમાં રહેતા વિકી નંદકિશોર અગ્રવાલ પ્લાયવુડનો વેપાર કરે છે. વિકી અગ્રવાલને બે જોડિયા બાળકી અને એક અઢી વર્ષનો બાળક અવયાંશ છે. બાળક મંગળવારે બપોરે પ્રવાહી ખોરાક લઈને ઘોડિયામાં સુઈ ગયો હતો. બપોર સુધી બાળક નહીં ઉઠતા માતા શ્રૃતિ પુત્રને ઉઠાડવા ગઈ હતી. પરંતુ પુત્રએ હલનચલન નહીં કરતા તેના ભાઈને જાણ કરી હતી. શ્રૃતિનો ભાઈ ખાનગી હોસ્પિટલમાં પિડીયાટ્રીશ્યન છે. જેથી તેને બાળકને ખાનગી હોસ્પિટલમાં ખસેડી તપાસતા મૃત જાહેર કર્યો હતો. એકના એક બાળકનું એકાએક મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. બાળકના મોતનું કારણ જાણવા પોલીસે બાળકનું નવી સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પીએમ દરમિયાન સેમ્પલ લઇને ફોરેન્સિક લેબમાં મોકલ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સચોટ કારણ જાણી શકાશે.
આટલી નાની ઉંમરના બાળકનું કોઈ પણ બિમારી વિના ઉંઘમાં જ મોત થતાં તબીબો પણ ચોંકી ઉઠ્યા છે. હાલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, પરંતુ તેનો રિપોર્ટ આવ્યો નથી. રિપોર્ટ આવ્યા બાદ જ તેના મોતનું સાચું કારણ જાણી શકાશે.