surat : શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના ( corona ) કપરા સમયમાં પણ જાહેરમાં જન્મદિવસની ઉજવણી ( birthday celebration) કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. મંગળવારે શહેરમાં વધુ એક વીડિયો સોશિયલ મિડીયામાં ( social media) વાયરલ થતા લાલગેટ પોલીસે બર્થડે ઉજવનાર અક્રમ શેખ સહિતના ટોળાની સામે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી. શહેરમાં જાહેરમાં જન્મ દિવસની ઉજવણી ઉપર પોલીસ કમિશનરે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. તેમ છતાં શહેરમાં એક પછી એક જન્મ દિવસની ઉજવણી કરતા વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
પોલીસની કાર્યવાહી પછી પણ જાહેરમાં જન્મ દિવસની ઉજવણીના વાયરલ થઈ રહેલા વિડીયો પોલીસની ધાક ખતમ કરી રહ્યા છે. આજે વધુ એક વાયરલ થયેલા વીડિયોમાં માથાભારે અને જુગારની ક્લબ સાથે સંકળાયેલા અક્રમ ઉર્ફે બન્નુ શેખ રાત્રિના સમયે લોકોના ટોળા એકઠા કરીને જાહેરમાં ખુલ્લી તલવારો સાથે કેક કાપીને જન્મદિવસ ઉજવતો નજરે પડે છે. આ સાથે જ ડીજે પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલી પાર્ટીમાં બાળકો સહિત મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળે છે. કોઈએ માસ્ક પહેર્યુ નહોતું કે સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું ન હોવાનું જોઈ શકાય છે. જેના આધારે પોલીસે અક્રમ શેખની સામે તથા અન્ય અજાણ્યાઓની સામે ફરિયાદ દાખલ કરાવી છે.
પોલીસ પહોંચે તે પહેલા પાર્ટી વિસર્જીત કરી દેવાઈ
ત્રણેક દિવસ પહેલા યોજાયેલી આ પાર્ટીની જાણ પોલીસને થઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ પહોંચે તે પહેલા પાર્ટી વિસર્જીત કરી દેવાઈ હતી. કે પછી પોલીસ વિભાગમાં ફુટેલી કારતૂસે જાણ કરી દેતા પાર્ટી ઉપર પુર્ણવિરામ મુકી દેવાતા પોલીસના હાથે કઈ લાગ્યું નહોતું.
બે દિવસ પહેલા બારડોલી નગરમાં પણ એક યુવાનનો જાહેરમાં જન્મદિવસ ઉજવતો વીડિયો વાયરલ થયો હતો. યુવાન આશીયાના નગરનો રહીશ તોરીક મેમણે હતો. જેણે પોતાની જન્મદિવસ બારડોલીના અલંકાર નજીક આવેલ લિંકરોડ ખાતે જાહેરમાં ઉજવણી કરી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા તોરીકની ધરપકડ કરી હતી.
આ ઉપરાંત, થોડા દિવસ પહેલા સુરતના પુના પોલીસ મથકમાં ફરજ બજાવતો મહાવીરસિંહ નામના પોલીસકર્મીએ વૈભવી ગાડી પર આતશબાજી વચ્ચે જન્મ દિવસની ઊજાણી કરી પોતાની સત્તા સામે કાયદો લાચાર છે તેવું સાબિત કરી બતાવ્યુ હતું. આમ, સુરતમાં એક અઠવાડિયામાં સતત આ ચોથી ઘટના સામે આવી છે.