SURAT

સુરતમાં છ વર્ષની બાળકીએ અડપલાં કરનારનો કચકચાવીને પ્રતિકાર કરતા હવસખોર ઉભી પૂંછડીએ ભાગ્યો

સુરત : સુરતના પાંડેસરા નજીક વડોદ ખાતે આવેલી મારૂતિ ટાઉનશીપમાં રહેતી છ વર્ષની બાળકી હવસખોરના હાથમાં જાય તે પહેલા તેણીએ કચકચાવીને ઉગ્ર પ્રતિકાર કરતા હવસખોર યુવાને સ્થળ પરથી પોબાર ગણવા પડ્યા હતા. આ મામલે આ બાળકીના પિતાએ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

પોલીસ ફરિયાદમાં જણાવ્યુંકે પોતે ગત તા. 4 મેના રોજ બપોરના અઢી વાગ્યાના સુમારે ઘરે જમવા માટે બેઠા હતા. તેઓએ તેમની બાળકીને રમવા માટે મોબાઇલ ફોન આપ્યો હતો. તે વખતે તેમની છ વર્ષની દિકરી ગભરાયેલી સ્થિતિમાં હાંફળી ફાંફળી તેમની પાસે આવી હતી.

તેણે જણાવ્યું કે અંકલે મને ગોદમાં ઉંચકી લીધી અને લઇ જવાનો પ્રયાસ કરતા મેં તેમનો પ્રતિકાર કરીને જોરથી ધક્કો મારી દીધો હતો. અજાણ્યા ઇસમ દ્વારા આ બાળકીને ઉંચકી લઇ જઇને અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સીસીટીવી ફૂટેજમાં ઝડપાયું હતું. દરમિયાન દિકરીના પિતાએ ત્વરીત ઘરની બહાર નીકળીને આ હવસખોરને શોધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે મળ્યો ન હતો.

જોકે સીસીટીવી કેમેરામાં બ્લ્યુ ડેનીમ પેહેરેલો યુવાન આ બાળકીને સ્પષ્ટ રીતે અડપલા કરતા જોવા મળ્યો હતો. પાડોશીઓ દ્વારા ગુનાની ગંભીરતા સમજાવવામાં આવતા પિતાએ સપ્તાહ બાદ ગુનો દાખલ કર્યો હતો. અલબત છ વર્ષની બાળકીને અપાયેલા ઘર અને શાળામાંથી બેડ ટચ અને ગુડ ટચના નોલેજને કારણે આ બાળકીએ પ્રતિકાર કર્યો હતો અને તે બચી ગઇ હતી.

લીંબાયતમાં 15 વર્ષીય કિશોરી પર પડોશી યુવકે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા ગુનો દાખલ

સુરત: લીંબાયત ખાતે રહેતી કિશોરી સાથે ઘરની ઉપરના માળે રહેતા પડોશી યુવકે મિત્રતા કેળવી, બહેનના ઘરે પાંડેસરા લઈ જઈ 3 વખત દુષ્કર્મ આચર્યું હતું. જો કોઈને આ અંગે વાત કરી તો જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે લીંબાયત પોલીસે ગુનો નોંધી બળાત્કારી યુવકને ઝબ્બે કરવા ચક્રો ગતિમાન કર્યાં છે.

લીંબાયત ખાતે રહેતી મહિલાએ, લીંબાયત પોલીસ સ્ટેશનમાં તેની 15 વર્ષની દિકરી સાથે ગોડાદરા ખાતે સાંઇબાબા સોસાયટીમાં રહેતા રવિકુમાર મુન્ના સોની નામના યુવકે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી છે. બે દિવસ પહેલા કિશોરીને પેટમાં દુખાવો તથા ઉલ્ટી થઈ હતી. જેથી તેની માતા તેને સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જ્યાં તબીબે તેને તપાસતા બે માસનો ગર્ભ હોવાની જાણ થઈ હતી.

આ સાંભળીને પરિવારની આંખો પહોળી થઈ ગઈ અને પગતળેથી જમીન ખસી ગઈ હતી. માતાએ દિકરીને આ અંગે પુછતા તેણે જણાવ્યું હતું કે, એકાદ વર્ષ પહેલાં તેમની ઘરની ઉપરના માળે રહેતા રવિકુમાર સાથે મિત્રતા થઈ હતી અને બંને મોબાઈલમાં વાતચીત કરતા હતાં.

રવિકુમાર પાંચેક મહિના પહેલા કિશોરીને તેની બહેનના ઘરે જવાનું કહીને પાંડેસરા ખાતે લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે શરીર સંબંધ બાંધવા કહ્યું હતું. કિશોરીએ ના પાડી તો ડરાવી ધમકાવી બળજબરી કરી હતી. બાદમાં બાઈક પર ઘરે મુકી ગયો અને જો કોઈને વાત કરી તો જાનથી મારવાની ધમકી આપી હતી.

બે મહિના પહેલા પરત કિશોરીને તેની બહેનના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. એકાદ મહિના પહેલા ફરીથી તેને પાંડેસરા લઈ જવા માટે આવ્યો ત્યારે કિશોરીએ ના પાડી તો તેને બે તમાચા મારી બાઈક પર બેસાડીને લઈ ગયો અને દુષ્કર્મ કર્યું હતું. લીંબાયત પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top