સુરત(Surat): શહેરમાં છેલ્લાં કેટલાંક સમયથી ડોગ બાઈટના (DogBite) કેસો ચિંતાજનક હદે વધ્યા છે, ત્યારે આજે શહેરના ડિંડોલી વિસ્તારમાં એક વિચિત્ર બનાવ બન્યો હતો. અહીં ઘરમાં ઘુસીને 9 વર્ષની બાળકીને એક નોળિયો કરડ્યો (Nolioo bitten) હોવાની ઘટના સામે આવી છે. નોળિયાએ કરડતા બાળકીએ બૂમાબૂમ કરી મુકી હતી. તેથી પરિવારજનોએ દોડી જઈ તેને નોળિયાના મોંઢામાંથી છોડાવી હતી અને નવી સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઉત્તરપ્રદેશના વતની અને વર્ષોથી સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા પરિવારની 9 વર્ષની બાળકી નિધિ પાંડેને આજે નોળિયો કરડી ગયો હતો. બાળકીના પગના ભાગે નોળિયો કરડતાં તેણીએ બૂમાબૂમ કરી મુકી હતી. જેથી માતા દોડી ગઈ હતી અને દીકરીને બચાવી હતી. ત્યારબાદ બાળકીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બાળકીને કરડયા બાદ સોસાયટીમાં અન્ય લોકોને પણ કરડવાનો નોળિયાએ પ્રયાસ કર્યો હતો.
ઈજાગ્રસ્ત બાળકીની માતાએ કહ્યું કે, એક નોળિયો આજે સવારે અમારા મહોલ્લામાં દોડી આવ્યો હતો. તે જાણે પાગલ થયો હોય તેમ લોકોને કરડતો હતો. મારી દીકરીના પગમાં નોળિયાએ બાચકું ભર્યું હતું. તે મારી દીકરી નિધિનો પગ છોડતો જ નહોતો. મેં દોડી જઈ નોળિયાના મોંઢામાંથી મારી દીકરીનો પગ છોડાવ્યો હતો. મને જોઈ તે ભાગી ગયો હતો. જોકે, બાદમાં નોળિયો બીજા લોકો પર કૂદયો હતો અને કરડવા દોડતો હતો. બાદમાં ભેગા થયેલા લોકોએ નોળિયાને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બાદમાં ડરના માર્યા અમે બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતાં.