દિવાળીના (Diwali) લીધે દરેક ઘરમાં ફટાકડા (Crackers) હોય છે. ખાસ કરીને નાના બાળકો માટે માતા-પિતા (Parents) અવનવા ફટાકડા ખરીદી લાવતા હોય છે. તેમાંય નાના બાળકો (Kids) હોય તો નુકસાન નહીં કરે તેવા પોપ-પોપ, ફૂલઝડી જેવા ફટાકડા માતા-પિતા લાવતા હોય છે. પરંતુ આ જ બિનજોખમી ફટાકડા એવા 10થી 20 રૂપિયાના પોપ-પોપના લીધે સુરતમાં એક 3 વર્ષીય બાળકનું મૃત્યુ થયું છે.
અહીંના ડિંડોલી વિસ્તારમાં 3 વર્ષના બાળક માટે તેના પિતા પોપ-પોપ લાવ્યા હતા. સુથારી કામ કરતા મૂળ બિહારના (Bihar) વતની એવા પિતા પોપ પોપ દુકાનથી લાવ્યા બાદ ઘરે મૂક્યા હતા. 3 વર્ષના બાળકને કશી સમજ નહીં હોય તે ફટાકડા ફોડવાના બદલે પોપ પોપ ગળી ગયું હતું. જેના લીધે તે બિમાર પડ્યું અને ઝાડા-ઊલટી થયા હતા. ઉલટીમાં પોપ-પોપ ફટાકડા નીકળ્યા બાદ માતા-પિતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યું હતું.
બાળકના પિતા રાજ શર્માએ કહ્યું કે પોતે બિહારથી 8 મહિના પહેલાં સુરત આવ્યો હતો. અહીં સુથારી કામ કરી પત્ની 3 વર્ષનો મોટો પુત્ર શૌર્ય અને 2 વર્ષની દીકરીનું ભરણપોષણ કરતો હતો. છેલ્લાં 24 કલાકથી શૌર્ય બીમાર પડ્યો હતો. ઘર નજીકના તબીબની સારવાર દરમિયાન ઝાડા બાદ અચાનક ઊલટી થઈ હતી. સવારે ઊલટીમાં ફટાકડાના પોપ-પોપ નીકળતાં પત્ની અંજલી ચોંકી ગઈ હતી.
દીકરાની પોપ-પોપવાળી ઊલટી જોઈ પત્નીએ ડૉક્ટરને ફોન કર્યો હતો. સ્થાનિક ડોક્ટરના ક્લિનિકમાં બોટલ ચઢાવ્યા બાદ ડોક્ટરોએ તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવાની સલાહ આપતા અહીં આવ્યા હતા. સિવિલના તબીબોએ શૌર્યને મૃત જાહેર કર્યો હતો. જોકે, હજુ સુધી મૃત્યુનું સાચું કારણ ખબર પડી નથી. પરિવારજનો માસૂમ દીકરાનું પોસ્ટમોર્ટમ કરવાની ના પાડી રહ્યાં છે.