Dakshin Gujarat

ધરમપુરના સોનદર ગામમાં બે દીપડા વચ્ચે ખૂંખાર જંગ, ખેડૂતના થયા આવા હાલ

ધરમપુર: ધરમપુર તાલુકાના સોનદર ગામે આવેલાં રીઝવ ફોરેસ્ટનાં કમ્પાઉન્ડમાં બે દીપડાએ આતંક મચાવતા છેવટે એક કલાક સુધી ચાલેલી બે દીપડા વચ્ચેની લડાઈમાં ત્રણ વર્ષીય ઇજાગ્રસ્ત દિપડાનું વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી સારવાર અર્થ વાંસદા નેશનલ પાર્ક ખાતે મોકલી અપાયો હતો. જોકે બે દીપડા વચ્ચેનો ખૂંખાર જંગ જોઇ ખેડુત ઉભી પૂછડીયે ભાગ્યો હતો. બાદ વન વિભાગને જાણ કરતાં તંત્ર દોડતું થયું હતું.

ધરમપુરના સોનદર ગામે એડ ફળીયા ખાતે રીઝર્વ ફોરેસ્ટના કમ્પાઉન્ડમાં સોમવારે બપોર બાદ બે દીપડા વચ્ચે જંગ જામ્યો હતો. બન્ને દીપડા યુદ્ધે ચઢ્યા હતા. દીપડાને લડતાં જોઇ જતાં ખેડુતનો જીવ અધ્ધર થતાં ગભરાયેલા ખેડુતે ત્યાંથી ઉભી પૂછડીયે ભાગવું પડ્યું હતું. ગામના આગેવાન જહીરામ તથા સરપંચ સહિત ખેડુતે વન વિભાગના પ્રતિભા પટેલને જાણ કરતાં પંગારબારી રેન્જના હિના પટેલ સહિત વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાં ઇજાગ્રસ્ત દીપડાને જાળીની મદદથી રેસ્ક્યુ કરી વાંસદા નેશનલ પાર્ક વન્ય પ્રાણી સારવાર કેન્દ્ર ખાતે મોકલી અપાયો હતો. જોકે બીજો દીપડો ન મળતા વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટે પાંજરૂ મૂકવાની કવાયત હાથ ધરી હતી.

દુલસાડના મોટા ફળિયામાં પાંજરું ગોઠવાયું
દુલસાડમાં કેટલાક મહિનાથી દીપડો આતંક મચાવી રહ્યો છે. જેના કારણે ગ્રામજનોએ રાત્રિના સમયે બહાર નીકળવાનું ટાળવું પડતું હતું. દુલસાડના અનેક વિસ્તારોમાં દીપડા દેખાયા હોવાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. તો દીપડાએ શ્વાન, ગાય તેમજ બકરાનો શિકાર પણ કર્યો હતો. જેના કારણે ગ્રામજનો ત્રાસી ગયા હતા અને થોડા દિવસો અગાઉ દીપડો સ્મશાન ભૂમિ પાસે પાણીની ટાંકી પાસે આરામ ફરમાવતો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જો કે દીપડાની દહેશતના કારણે ગામના આગેવાન દિલીપ પટેલે ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગને કરતા પાંજરું ગોઠવ્યું છે.

Most Popular

To Top