એક અમીર શેઠને ડોકટરે કહ્યું, ‘તમારી પાસે જીવનમાં હવે છ મહિના જેટલો જ સમય છે. જેમ જીવવું હોય તેમ જીવી લો, જે અધૂરી ઈચ્છા હોય તે પૂરી કરી લો.’ પછી શેઠ જે મળે તેને કહેતા, ‘આમ તો મારી પાસે બધું જ છે અને બધું જ મેળવી શકું છું, પણ મને હજી ક્યારેય સાચા આનંદ કે સુખની અનુભૂતિ થઇ નથી. મારે સાચું સુખ શોધવું છે, જે મને તે દેખાડશે તેને હું જે માંગશે તે આપીશ.’ ઘણાએ પ્રયત્નો કર્યા, પણ શેઠને સાચા સુખનો અનુભવ થતો નહિ.
એક દિવસ શેઠ પોતાના દીકરાની દીકરી સાથે ગાર્ડનમાં ફરવા ગયા અને અચાનક એક ફકીર જેવો માણસ દેખાયો. ન જાણે કેમ પણ શેઠે તેને રોકીને કહ્યું, ‘ફકીર બાબા, આમ જીવનમાં બધું જ છે અને હવે માત્ર થોડા દિવસો જીવવાનો છું તેમ ડોક્ટરોએ કહી દીધું છે.પણ મને સાચા સુખનો અનુભવ થયો જ નથી. મને સાચા સુખની એક ઝલક દેખાડી શકશો.’
ફકીરે શેઠની વાત સાંભળી હસ્યા અને બોલ્યા , ‘અરે, હમણાં કરાવું તમને સાચા સુખની અનુભૂતિ. આ ઝાડ નીચે મારી સામે આંખ બંધ કરી બેસી જાવ.’શેઠ પોતાની પૌત્રીને ખોળામાં લઈને આંખ બંધ કરી બેસી ગયા.થોડો સમય પસાર થયો અને અચાનક ફકીર શેઠના ખોળામાંથી નાનકડી પૌત્રીને લઈને નાસી ગયો.શેઠ આંખો ખોલી કંઈ સમજે તે પહેલાં ઘણો દૂર નીકળી ગયો.
શેઠ રડવા લાગ્યા , અજાણ્યા ફકીરને બધી વાત જણાવવા બદલ અને વિશ્વાસ કરવા બદલ માથું કૂટવા લાગ્યા.થોડી વારમાં લોકો ભેગાં થઇ ગયાં અને શેઠની વાત સાંભળી બધા ફકીરને શોધવા ચારે બાજુ દોડ્યા.થોડે દૂર ફકીર એક ઝાડ નીચે નાનકડી પૌત્રી સાથે બેસીને રમતા હતા.શેઠ દોડીને ત્યાં પહોંચ્યા અને પૌત્રીને છાતીએ લગાડી લીધી. હદય આનંદથી ઉભરાયું અને આંખોમાંથી આંસુ ઉભરાયાં. ફકીર ધીમેથી બોલ્યા, ‘શેઠ મળી ઝલક સાચા સુખની …મળ્યો સાચો આનંદ …’શેઠ આ વાક્ય સાંભળી અવાચક થઇ ગયા ; વિચારવા લાગ્યા, ‘હા , પૌત્રી ગુમાવી દીધાની લાગણીમાંથી તે પરત મળી ગઈ તે લાગણીમાં ખરેખર અનન્ય આનંદ સમાયેલો હતો.’
ફકીર બોલ્યા, ‘તમે જ કહ્યું તેમ તમારી પાસે બધું જ છે…અને બધું જ હોવા છતાં તમે ખુશ ન હતા એટલે જયારે તમે તમારી પાસેથી અતિ પ્રિય ચીજ થોડી વાર માટે પણ ગુમાવી ત્યારે તમને તેની અગત્ય સમજાઈ ..તે તમારી પાસે છે તેનું મહત્ત્વ અને આનંદ સમજાયો.આપણે બધા જ સુખમાં જ જન્મ્યા છીએ. આ જીવનમાં જે તમારી પાસે અને સાથે છે તે સુખ જ છે…આપણે જે પાસે છે તે તો ઠીક છે તેમ ગણીએ છીએ. હજી કોઈ નવા સુખની શોધમાં દોડતા રહીએ છીએ પણ જે પાસે છે તેને જાળવો, તેને ખોવાઈ જવા ન દો.જે છે તે જ સાચું સુખ છે.તેને બીજે ક્યાંય શોધવાની જરૂર નથી .’ફકીરે સાચા સુખની સાચી સમજણ આપી.