સુરત : છેલ્લાં કેટલાંક સમયથી સોશિયલ મીડિયામાં (Social Media) છવાઈ જવાના ઈરાદે જુવાનિયાઓ દ્વારા રસ્તા પર વાહનો ચલાવીને જોખમી સ્ટંટ (Stunt) કરવાનું ચલણ વધ્યું છે. અવાનવાર રોડ પર હાથ છોડી બાઈકો ચલાવવા જેવા સ્ટંટના વીડિયો વાયરલ થતા રહે છે. આવો જ એક વીડિયો સુરતમાં (Surat) વાયરલ થયો છે, જેમાં 17 વર્ષનો એક કિશોર રસ્તા પર દોડતી કારનો દરવાજો ખોલી ઉભો હોવાનું દેખાઈ રહ્યું છે. પોલીસે આ વીડિયોના આધારે કિશોર અને તેના પિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
- 17 વર્ષના કિશોરે છુટા હાથે લકઝૂરીયસ કાર ચલાવતા તેના પિતા સામે ફરિયાદ દાખલ
- પિતાએ કહ્યું કે તેઓએ ડિઝલ ભરાવવા માટે ગાડી આપી હતી
સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા એક હાથે કારમાંથી ઉભા થઇને 17 વર્ષીય કિશોર દ્વારા જે સ્ટંટ કરવામાં આવતા હતા તેનો વિડીયો વાયરલ થયો હતો. આ મામલે સરથાણા પોલીસ વિવાદમાં આવી છે. તેમાં પોલીસ દ્વારા આ કિશોરના પિતા ખોડા રઘુભાઇ ભરવાડ (રહે. સ્વર્ગ પેલેસ, ગોથાણ રોડ) તથા ફોર વ્હીલર ચલાવનારા કિશોર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
સરથાણા સરવેલન્સ સ્ટાફ દ્વારા સિમાડા નાકાથી દાતાર ચોક-ડી તરફ બીઆરટીએસ રોડમાં ફોર વ્હીલર ગાડીમાં કિશોર દ્વારા પૂરપાટ ગાડી હંકારવામાં આવતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. તેમાં ઇ -કોપમાં જોતા આ ગાડીના માલિક ખોડાભાઇ ભરવાડ હોવાનું માલૂમ પડતા તેઓની પૂછપરછ કરવામાં આવી હતી.
તે દરમિયાન ખોડાભાઇએ પોતાના પુત્રને ડીઝલ ભરવા માટે ગાડી આપી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત સતર વર્ષીય કિશોર પાસે લાયસન્સ પણ નહીં હોવાની વાત ખોડાભાઈ કરી હતી. આ આખા મામલે પોલીસે ફોર વ્હીલ કબ્જામાં નહીં લીધી હોવાનો મામલો જાણવા મળ્યો છે. આ મામલે પીઆઇ વીરલ પટેલે જણાવ્યું હતું કે, જરૂર નથી કે દરેક કિસ્સામાં ગાડી કબ્જામાં લેવામાં આવે. અકસ્માત હોય તો પણ તેઓ ગાડીનો કબ્જો લેતા નથી.