આણંદ : સોજિત્રા તાલુકાના લીંબાલી ગામે 500 મીટરના રસ્તાના કામમાં ભારોભાર ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ સરપંચ દ્વારા કરવામાં આવ્યો છે. આ રસ્તો પહેલેથી આરસીસી હોવા છતાં તેના પર ડામરનું પાતળું લેયર બનાવતાં ગ્રામજનોમાં પણ ભારે રોષની લાગણી જન્મી છે. સોજિત્રાના લીંબાલીના મુખ્ય માર્ગ પ્રાથમિક શાળાથી ભીમનાથ મહાદેવના રસ્તાને લઇ વિવાદ ઉભો થયો છે. આ રસ્તો આરસીસી છે અને તેના પર કોન્ટ્રાક્ટર દ્વારા ડામરનું લેયર પાથરવામાં આવી રહ્યું છે, તે પણ હલકી કક્ષાના સામાનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેને લઇ સરપંચ સહિત ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે. આ કામ પેટે કોન્ટ્રાક્ટરનું બિલચુકવણી તાત્કાલિક અટકાવી દેવા માગણી કરવામાં આવી હતી. આ નવીન રોડની ગુણવત્તા ન જળવી કોન્ટ્રાક્ટરે વેઠ ઉતારતા સરપંચ સહિત ગ્રામજનોનો ઉગ્ર વિરોધ સાથે હોબાળો મચાવ્યો હતો.
આ માર્ગનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં લીંબાલી ગામના સરપંચ સહિત ગ્રામજનોના જણાવ્યાનુસાર, પબ્લિક ઈન્ફોર્મેશન બોર્ડમાં જણાવેલા રોડની ગુણવતા ન જળવાઈ અને રોડની માત્ર વેઠ ઉતારી હોવાનો આક્ષેપ સાથે વિરોધ દર્શાવામાં આવ્યો હતો. આ અંગે સરપંચ સહિતના આગેવાનો દ્વારા ગ્રામ પંચાયતના લેટર પેડ પર ગ્રામજનોની સહીઓ સાથે વિરોધ દર્શાવવાની તૈયારીઓ બતાવી હતી. આશ્ચર્યજનક બાબત એ છે કે, કોન્ટ્રાક્ટર દ્વારા હયાત ગરનાળું પણ તોડી નાંખ્યું છે. જે બન્ને બાજુ ખુલ્લુ થઇ ગયું છે. જેના કારણે અકસ્માતનું જોખમ વધી ગયું છે. કોન્ટ્રાક્ટરે સેવા કરતો હોય તેવો જવાબ આપતાં ગ્રામજનોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, સેવા જોઇતી નથી. જે સરકારમાંથી મંજુર થઇને આવ્યું છે, તે કામ કરવા અમારી માગણી છે.
રસ્તાના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ ઉતારવામાં આવી હોવાનો આક્ષેપ
પ્રાથમિક શાળાથી ભીમનાથ મહાદેવ સુધી 500 મીટર રોડ અને ગરનાળું બનાવવાનું કામ મંજુર થયું છે. ગરનાળું બનાવ્યું નથી અને બારોબાર રસ્તો બનાવી નીકળી ગયો છે. પ્રજાનું કોઇ સાંભળતું નથી. ગ્રામજનોએ વિરોધ કરતાં કોન્ટ્રાક્ટરને જાણ કરી હતી. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કોઇ જવાબ આપવામાં આવી રહ્યો નથી. આરસીસી પર ડામર કામ કરી દેવામાં આવ્યું છે. કોઇ સંતોષકારક કામ કરવામાં આવ્યું નથી.’ – રાજુભાઈ ખુશાલભાઈ, સરપંચ