ગાંધીનગર: રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં રહેતા અને સોની બજારમાં પેઢી ધરાવતા સોની પરિવારના નવ સભ્યોએ ઝેરી દવા પી સામુહિક આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા ખડભડાટ મચી જવા પામ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં આવેલા ગોવિંદપરામાં રહેતા અને સોની બજારમાં પેઢી ધરાવતા કેતન આડેસરા ઉં.વ. 45, તેમના પત્ની દિવ્યા આડેસરા ઉં.વ.42, માતા મીનાબેન આડેસરા ઉ.વ.67, પિતા લલિત આડેસરા ઉ.વ.76, નાનાભાઈ વિશાલ આડેસરા ઉ.વ.40, નાનાભાઈની પત્ની સંગીતાબેન આડેસરા ઉ.વ.39, કેતનભાઇના પુત્ર જય ઉ.વ.21, ભત્રીજો વંશ ઉ.વ.15, અને ભત્રીજી હેતાંશી ઉ.વ.8 એ રાત્રિના સમયે સરબતમાં ઉધઈ મારવાની દવા પી લીધી હતી. જોકે બપોરે આ તમામ સભ્યો ભાનમાં આવતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તમામ સભ્યોની તબિયત સુધારા પર હોવાનું ફરજ પરના તબીબોએ જણાવ્યું હતું.
દરમ્યાનમાં આ સોની પરિવારના સામૂહિક આત્મહત્યાના પ્રયાસ અંગે પ્રાથમિક વિગતમાં મળતી માહિતી મુજબ મુંબઈના ચાર ભાગીદાર મિત્રોએ કેતનભાઇ પાસેથી સોનાના દાગીના ખરીદ્યા હતા. તે પેટે તેમની પાસેથી બે કરોડ 75 લાખ લેવાના થતા હતા, પરંતુ આ મુંબઈના વેપારી તે નાણા આપતા ન હતા, અને હવે નવો માલ આપવો પછી જ અમે તમને પૈસા આપીશું. તેમ કહીને પોણા ત્રણ કરોડની ઉઘરાણી ફસાવી દીધી હતી. જેને કારણે કેતનભાઇ તથા તેમના પરિવાર ઉપર આર્થિક સંકટ આવી ગયું હતું, આથી કંટાળીને સામૂહિક આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. પોલીસે આ અંગે નિવેદન નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.