સુરત શહેરમાં કોર્પોરેટરો દ્વારા જાહેરમાં ભવ્યાતિભવ્ય જન્મદિનની ઉજવણીનાં વિવાદ વચ્ચે માથાભારે ઇસમો દ્વારા પણ છડેચોક જાહેરનામાનો ભંગ કરીને જન્મ દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંગેના વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થવા છતાં પોલીસ દ્વારા પણ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય તેવું ફલિત થઈ રહ્યું છે.
આ સ્થિતિમાં વધુ એક વખત પાંડેસરા ખાતે એક યુવક દ્વારા જાહેરમાં ફટાકડા ફોડીને મોટી સંખ્યામાં લોકોનાં ટોળા વચ્ચે જન્મ દિનની ઉજવણીનો વિડીયો વાયરલ થવા પામ્યો છે. ઘટના અંગે પોલીસ દ્વારા હાલમાં મગનું નામ મરી પાડવામાં આવ્યું નથી.
શહેરમાં કાયદો અને વ્યવસ્થાને સરેઆમ ઘોળીને પી જનારા અસામાજીક તત્વો દ્વારા અવાર – નવાર જાહેરમાં જન્મ દિનનાં નામે તાયફાઓ કરવામાં આવી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે થોડા સમય પૂર્વે જ કોર્પોરેટર અમિત રાજપૂત દ્વારા પણ લિંબાયતમાં જાહેરમાં જન્મદિનની ઉજવણીનો વીડિયો વાયરલ થતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.
અલબત્ત, પોલીસ દ્વારા આ અંગે આંખ આડા કાન કર્યા હતા. બીજી તરફ હવે પાંડેસરા ખાતે પણ તેરે નામ ચોકડી પાસે આવેલ સુકી નગરમાં એક યુવક દ્વારા રસ્તા પર જ મોટા પાયે આતશબાજી કરીને જન્મ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના અંગેનો વીડિયો વાયરલ થતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે.