Gujarat

પરિવાર સૂતો હતો અને કોઈકે ઘરની બહાર પાર્ક કરેલી કાર સળગાવી મુકી, પાલનપુરની ઘટના

બનાસકાંઠા: બનાસકાંઠાના (Banaskanstha) પાલનપુર (Palanpur) તાલુકામાં એક અજાણ્યા ઈસમે ઘરની આગળ પાર્ક કરેલી ઈકો કારમાં (Eco car) આગ (Fire) લગાવી દીધી હતી. અડધી રાત્રે બનેલી આ ઘટનાથી પરિજનો તેમજ આસપાસના લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પરિવારે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયા હતા. હાલ પરિવાર અજાણ્યા ઈસમને ઓળખવાનો પ્રયત્નો કરી રહ્યા છે આ સાથે જ ઘટનાની જાણ થતા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જગાણા ગામમાં અડધી રાત્રે 3:30 વાગ્યે એક અજાણ્યા ઈસમે ઘરની આગળ પાર્ક કરેલી ઈકો કાર સળગાવી દીધી હોવાની ઘટના બની હતી. જગાણા ગામમાં રહેતા નરેન્દ્રભાઈ મોહનભાઈ ચૌહાણ વ્યવસાયે જમીન લે-વેચના ધંધા સાથે સંકળાયેલા છે. જ્યારે ગત રોજ નરેન્દ્રભાઈ અને તેમનો પરિવાર સૂતો હતો ત્યારે આ ઘટના બની હતી. નરેન્દ્રભાઈ પરિવારના સભ્યો સાથે ઓસરીમાં સૂતા હતા. જ્યારે તેમના પત્ની જમનાબેન અને પુત્ર મધુસૂદન ઘરમાં સૂતા હતા. ત્યારે રાત્રે 3:30 વાગ્યે ઘરની આગળ પાર્ક કરેલી ઈકો કાર નં GJ-08-CG-0237માં આગ લાગી હતી. પરિવારને અચાનક જ આગ લાગ્યાની જાણ થતા તેઓ દોડીને આવી આગ પર કાબૂ મેળવવા માટે પાણીની મોટર ચાલુ કરી પાણીનો છંટકાવ કર્યો હતો. પરંતુ આગ કાબૂમાં ન આવતાં ફાયર વિભાગ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી.

સીસીટીવી કેમરામાં ઘટના થઈ કેદ
અચાનક ઈકો કારમાં આગ લાગતા પરિવારજનો ગભરાઈ ગયા હતા. ફાયર વિભાગને માહિતી આપ્યા બાદ ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારે ઘરની આગળ સીસીટીવી કેમરાના ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું હતું કે આ અજાણ્યો માણસ હાથમાં સફેદ કલરનો કેરબો લઈ આવ્યો હતા. તેણે ઈકોકાર પાસે જઈ કારનો દરવાજો ખોલી તેમાં જ્વલનશીલ પ્રવાહી નાંખ્યું હતું અને દીવાસળી ચાંપી દીધી હતી. ગાડી ભડ ભડ સળગવા લાગી હતી, ગાડી સળગ્યા બાદ તે તરત જ ત્યાંથી નાસીને ગેટ બહાર જતો રહ્યો હતો. અજાણ્યા ઈસમે આવું કેમ કર્યું અને આ ઈસમ કોણ છે તેનાથી પરિવાર અજાણ છે. ઈકોકારના માલિક નરેન્દ્રભાઈ અજાણ્યા ઈસમ વિરુદ્ધ પાલનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સીસીટીવીના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top