surat : સુરત મનપા દ્વારા મંગળવારે કતારગામથી સિંગણપોર ચાર રસ્તા તેમજ સિંગણપોર-ચાર રસ્તાથી સિંગણપોર ગામે સિંગણપોર ગામથી કોઝવે સુધીના ટી.પી. રસ્તા ( tp road) અને માર્જીનમાંથી દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. રસ્તા પર જ લારી-ગલ્લા અને પાથરણાવાળા બેસી જતાં મનપાને કુલ 60 લારી અને 100 જેટલાં પાથરણાં જપ્ત કરી દબાણો હટાવી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. અને કુલ રૂ.55,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો. ઉપરાંત કોઝવે તરફના રસ્તા પાસે સિલ્વર સ્ટોન આર્કેડમાં દુકાનની આગળ લાગુ વિઝિટર્સ પાર્કિંગમાં ખાણી-પીણી, લારી-ગલ્લાને ભાડે આપી કોમર્શિયલ પ્રવૃત્તિ કરતા હોવાથી મનપાએ પાંચ દુકાન સીલ મારી હતી.
જો કે, મનપાની આ દબાણ હટાવ ઝુંબેશમાં દબાણકર્તાઓને બચાવવા છેક વરાછા ઝોનના વોર્ડ નં.4ના આમ આદમી પાર્ટી ( aam aadmi party) ના નગરસેવક ઘનશ્યામ મકવાણા અને તેના કાર્યકરો દોડી આવ્યા હતા તેમજ મનપાના અધિકારીઓ ગરીબો પર અત્યાચાર કરી રહ્યા છે તેવું કહી હોબાળો મચાવ્યો હતો. જો કે, મનપાના અધિકારીઓએ પોલીસ બોલાવી કામગીરી ચાલુ રાખી હતી. અને તેમાં આપના ત્રણ ચાર કાર્યકરને ડિટેઇન કરાયા હતા. જ્યારે નગરસેવકને એક બાજુ રહેવાનું કહેવાયું હોવાથી આપના અન્ય નગરસેવકો અને કાર્યકરોનું ટોળું કતારગામ ઝોન પર દોડી આવ્યું હતું. તેમજ મોબાઇલ પર શૂટિંગ કરી લાઇવ કરતાં કરતાં કતારગામ ઝોનના અધિકારીઓને તેની ઓફિસમાં જ ઘેરી લઇ નગરસેવકોનું સન્માન નહીં જળવાતું હોવાનો હોબાળો મચાવતાં અધિકારીઓ ડઘાઇ ગયા હતા.
આવો જ બીજો કિસ્સો સુરત શહેરના અશ્વનિકુમાર સ્વામીનારાયણ ચાર રસ્તા નજીક શાકભાજી અને ફ્રૂટની લારી લગાવી રોજગારી મેળવતા શ્રમજીવીઓએ આજે દબાણ ખાતાનો સખત વિરોધ કરી રોડ ઉપર આવી ગયા હતા. નાના વેપારીઓએ દબાણ ખાતાના વાહનો આગળ સૂઈ વિરોધ કરતા ઉપરી અધિકારીઓ અને મેયર સહિત સ્થાયી અધ્યક્ષ પરેશ પટેલ દોડતા થઈ ગયા હતા.
હરીશ ગુજ્જર (સામાજિક કાર્યકર્તા) એ જણાવ્યું હતું કે, આટલી મોંઘવારીમાં પણ પસીનો પાડી બે રૂપિયા કમાઈને ઘર ચલાવતા શ્રમજીવીઓ ના જ પાલિકા ને દબાણ દેખાય છે. અશ્વનિકુમાર રૂસ્તમબાગ સ્વામીનારાયણ મંદિર નજીક જાહેરમાં શાકભાજી અને ફ્રુટની લારી લગાડતા શ્રમજીવીઓને પાલિકાનું દબાણ ખાતું વારંવાર હેરાન કરતું આવ્યું છે. લારી ઉપાડી જવી, માલ સમાન રોડ પર ફેંકી દેવો નહિતર જમા લઈ લેવી જેવી બાબતોથી કંટાળી ગયેલા શ્રમજીવીઓએ આજે પાલિકા સામે મેદાનમાં ઉતરી પડ્યા હતા.