નડિયાદ: નડિયાદમાં રખડતી ગાયોનો આતંકનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એક સપ્તાહ પહેલા માઈ મંદિર ગરનાળા પાસે રખડતી ગાયે મહિલાને શીંગડે ચઢાવી હતી. આ બાદ સોમવારે નડિયાદ પશ્ચિમમાં જ શારદા મંદિર ચોકડીની બાજુમાં આવેલા રીંગ રોડ પર આ બનાવ બન્યો છે. જેમાં બે ગાયોએ એક સ્કૂટીના ચાલકને ફંગોળ્યો હતો. આથી ચાલક ગંભીર રીતે ઘાયલ થતાં અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. નડિયાદમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. ખાસ કરીને નગરના હાર્દ સમા રોડ સંતરામ રોડ, કોલેજ રોડ, મિશન રોડ, મીલ રોડ, ડભાણ રોડ સહિત પશ્ચિમના પીજ રોડ, પેટલાદ રોડ વિગેરે વિસ્તારોમાં ગાયોનો આતંક જોવા મળી રહ્યો છે.
આ વિસ્તારોમાં ગાયો એટલી હદે સાંજે અને સવારે એકઠી થાય છે કે વાહન ચલાવવું મુશ્કેલ બને છે અને રાહદારીઓને પણ ડરના ઓથા તળે જવું આવવું પડે છે. ખાસ કરીને મોર્નિંગ અને ઈવનીગ વોક કરવા નીકળેલા સિનિયર સિટીઝનોને ગાયોના ટોળાંઓ વચ્ચેથી ભયથી પસાર થવુ પડે છે. શહેરમાં આવા રખડતા ઢોરોને કારણે ભૂતકાળમાં પણ ઘણાં બનાવો બન્યા છે. જેમાં કેટલાક મોતને ભેટ્યા છે તો કેટલાક ઈજાઓ થઈ છે. સપ્તાહ પહેલા જ માઈ મંદિર ગરનાળા પાસે બુલેટ પર જતી મહિલાને એક ગાયે અડફેટે લીધી હતી અને તેણીને નીચે પાડી દીધી હતી. આથી આ મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
નડિયાદ શહેરમાં રહેતા ભરતભાઇ રસીકલાલ શાહ ગતરોજ સાંજના સાડા સાત વાગ્યાની આસપાસ શહેરના બધિર વિદ્યાલયથી પોતાના ઘરે નંબર વગરનુ ઈલેકટ્રીક સ્કૂટી લઈને આવતાં હતા. ત્યારે નડિયાદ પશ્ચિમમા શારદા મંદિર ચોકડીની બાજુમાં આવેલા રીંગ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે બે ગાયો એકાએક દોડતી રસ્તા પર આવી આ ઈલેકટ્રીક સ્કૂટી સાથે ભટકાઈ હતી. આથી ચાલક ભરતભાઈ ઉછળીને રોડ પર પટકાતા શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. જે બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે નડિયાદની ખાનગી હોસ્પિટલમાં અને એ બાદ વધુ સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ સંદર્ભે ધ્રુમીલ કિશોરભાઈ શાહે નડિયાદ પશ્ચિમ પોલીસમાં અજાણી બે ગાયના માલિક સામે ફરિયાદ નોંધાવી છે.