નડિયાદ: નડિયાદની ત્રણ ફેક્ટરીમાં કેમિકલયુક્ત હળદર બનાવવાના પ્રકરણ બાદ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ સફાળું જાગ્યું છે અને આ ફેક્ટરીમાં તપાસ કરી હળદર ઉપરાંત અન્ય મસાલામાં પણ ભેળસેળ થતી હોવાનું જણાયું હતું. આથી, હળદર ઉપરાંત મરચું, ધાણા, આમચુર સહિત રૂ.90 લાખ ઉપરાંતનો મુદ્દામાલ સીઝ કરી તેના નમુના લેબમાં પુથ્થકરણ માટે મોકલી આપ્યાં હતાં. નડિયાદ ટાઉન પોલીસ દ્વારા 10મી એપ્રિલના રોજ બે પેઢીની તપાસ કરતાં તેમાં અલગ અલગ સ્થળે હળદર પાવડર લુઝ, પ્રીમીક્ષ ટરમેરીક મસાલા લુઝ, ઓલીઓરેસીન લુઝ, સ્ટાર્ચ પાવડર, બ્રોકન રાઇસ (ચોખા કણકી),પેપર હસ્કનો જથ્થો તથા તે પ્રોસેસ માટેની મશીનરી ગોડાઉનમાં પડેલી જોવા મળી હતી.
આ જથ્થામાં ભેળસેળની શંકા જતા નમુના લઈ ફુડ એનાલીસ્ટ, ભુજને મોકલી આપી હળદર પાઉડર લુઝ, ઓલીઓરેસીન લુઝ, સ્ટાર્ચ પાવડર લુઝ, પ્રીમીક્ષ ટરમેરીક મસાલા લુઝ, બ્રોકન રાઈસ, બ્રોકન રાઈસ સાથે આશરે કુલ 54,730 કિલોગ્રામનો રૂ.54,92,550નો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કમળાની ફેકટરીમાં તપાસ કરતા પેઢીમાં રહેલા અલગ અલગ ગોડાઉનમાં તીખુ મરચુ પાવડર, કાશમીરી મરચું પાવડર, ચોખાની કુસ્કી, અચાર મસાલા, હળદર પાવડર, ધાણા પાવડરનો જથ્થો તથા તે પ્રોસેસ માટેની મશીનરી જોવા મળી હતી.
જેથી આ તમામ ખાદ્ય પદાર્થોનો જથ્થો જોતા તેની ક્વોલીટી, એડલ્ટરન્ટની પેઢીમાં હાજરી તથા તેની સંગ્રહ કરેલી સ્થિતી જોતા તપાસ અધીકારીઓ તમામને આ જથ્થામાં ભેળસેળની શંકા જતાં સીઝ કરી તેના નમૂના લઈ પૃથક્કરણ માટે મોકલી આપ્યા છે. આ તપાસ દરમિયાન અચાર મસાલા લુઝ, હળદર પાવડર, ધાણા પાવડર, કાશ્મીરી મરચા પાવડર, તીખુ મરચું પાવડર, રાઈસ કુસ્કી, (એડલ્ટ્રન્ટ) સાથે આશરે કુલ 6960 કિલોગ્રામની રૂ. 18.34 લાખનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
બાદમાં સીલોડ ગામ ખાતે ફૂડ સેફટી એન્ડ સ્ટાનડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડીયાના સેન્ટ્રલ ફૂડ સેફટી ઓફીસરની ટીમ દ્વારા મોટી તલાવડીમાં 11મીએ તપાસ કરતા પેઢીમાં રહેલા અલગ અલગ ગોડાઉનમાં ખાદ્ય પદાર્થનો જથ્થો તથા તે પ્રોસેસ કરવા માટેની મશીનરી જોવા મળી હતી. જેથી આ તમામ ખાદ્ય પદાર્થોનો જથ્થો જોતા તેની ક્વોલીટી, એડલ્ટરન્ટની પેઢીમાં હાજરી તથા તેની સંગ્રહ કરેલી સ્થિતી જોતા તપાસ અધીકારીઓ તમામને આ જથ્થામાં ભેળસેળની શંકા જતા આ જથ્થામાંથી નમૂના લઈ પૃથકરણ સારૂ મોકલી આપ્યા હતા.
આ નમુનો લીધા બાદ ટરમેરીક ઓઈલ (એડલ્ડ્રન્ટ), પીપર હસ્ક, (એડલ્ડ્રન્ટ) લુઝ, ક્લોવ સ્ટેમ લુઝ, પ્રીમીક્ષ ટરમરીક મસાલા, બ્રોકન રાઈઝ, (એડલ્ડ્રન્ટ) લુઝ, રાઈસ સ્ટાચ, (એડલ્ડ્રન્ટ) લુઝ, આખા ધાણા, આમચૂર મસલા પાવડર, કરી પાવડર, ટરમરીક પાવડર, ડ્રાય જીંજર પાવડર, ગારલીક કરી પાવડર સાથે આશરે કુલ 32,430 કિલોગ્રામનો કુલ રૂ.17,50,450 કિંમતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. આમ, જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કુલ રૂ.90,77,507 કિંમતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. આ તમામ નમૂનાનો રીપોર્ટ ફુડ લેબોરેટરીમાંથી આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.